Accident: તાપીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, મહિલાનું ઘટના સ્થળે જ મોત
Local News: કુકરમુંડાનો તંબોલી પરિવાર મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે લગ્નપ્રસંગમાં ગયો હતો. જ્યાંથી પોતાના ગામ કુકરમુંડા પરત ફરતી વખતે કોઈક અજાણ્યા ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
Tapi Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. તાપીમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. નિઝર સીમમાં ઉચ્છલ નિઝર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ચાર લોકો પૌકી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી.
મરણજનાર સુંનંદા તંબોલી સાથે ઈજા પામનાર સંતોષ તંબોલી, કવિતા તંબોલી અને અનિતા તંબોલી કારમાં સવાર હતા. કુકરમુંડાનો તંબોલી પરિવાર મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે લગ્નપ્રસંગમાં ગયો હતો. જ્યાંથી પોતાના ગામ કુકરમુંડા પરત ફરતી વખતે કોઈક અજાણ્યા ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. નિઝર પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના જ્વેલર્સ સર્કલ પાસે આજે લોખંડના સળિયા ભરેલા છકડા રિક્ષાએ અડફેટે લેતા સ્કૂટર સવાર યુવકનું મોત નિપજ્યું હતું. લોખંડના સળિયા ભરેલો છકડો પલટી ખાઈને સ્કૂટર પર પડતા યુવક દબાઈ ગયો હતો. મૃતક યુવાનના 21 દિવસ બાદ જ લગ્ન હતા. દિકરાના લગ્નની તૈયારી કરી રહેલા પરિવારને દીકરાના અકસ્માતના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘરમાં લગ્નનો રૂડો અવસર આવી રહ્યો હતો પરંતુ કુદરત ને કઈ ઓર જ મંજુર હશે ઘરમાં ખુશીનો માહોલ હવે માતમમાં બદલાયો હતો. ઘરમાં લગ્ન ગીતના બદલે હવે મરશિયા સાથે જુવાન જોત યુવાનની અર્થી ઉઠતા માલધારી સમાજ અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતક યુવકનુ નામ સામત ભરવાડ હોવાનું સામે આવ્યું છે અને તે બોરતળાવનો રહેવાસી હતો.
પાટનગર ગાંધીનગર હોય કે આસપાસના હાઇવે માર્ગો છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો સાવ સામાન્ય બની ગયા છે. આ સ્થિતિ વચ્ચે ઝુંડાલ બ્રિજ નીચે હીટ એન્ડ રનની વધુ એક ઘટનામાં મોપેડ સવાર બે મિત્રોના મોત થયા હતા. ગાંધીનગર પાસેના ખોરજ ગામમાં રહેતા વિષ્ણુજી જવાનજી ઠાકોર દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે, ગઈકાલે સાંજના સમયે તેઓ ઘરે હાજર રહેતા તે સમયે ગામના વ્યક્તિએ જાણ કરી હતી કે તમારા ભત્રીજા યુવરાજ ગોવિંદજી ઠાકોરને ઝુંડાલ બ્રિજ પાસે અકસ્માત થયો છે. જેના પગલે તેઓ અન્ય સગાઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા જ્યાં જાણવા મળ્યું હતું કે યુવરાજ તેની સાથે કામ કરતા ખોરજ ગામના અમિત બળવંતજી ઠાકોર અને દશલ જીતેન્દ્રકુમાર ઠાકોરને તેના મોપેડ ઉપર બેસાડીને ચાંદખેડા ખાતે પેકેજીંગનું કામ કરતાં સ્થળેથી ચા લેવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન સરદાર પટેલ રિંગ રોડ ઉપર ઝુંડાલ બ્રિજ નીચે અજાણ્યા ટ્રક ચાલક દ્વારા તેમના મોપેડને ટક્કર મારવામાં આવી હતી જેમાં ત્રણે મિત્રો જમીન ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે યુવરાજનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.જ્યારે અમિત અને દશલને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અમિતનું પણ મોત થયું હતું. અકસ્માતમાં ગામના બે બે યુવાનોના મોતને પગલે ખોરજ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.