Gujarat Weather: કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો, રાજ્યના 12 શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે દેશના મેદાનથી પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું.
Gujarat Weather: રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. સોમવારે રાજ્યના 12 શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જેમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. નલિયામાં 9.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. તો રાજકોટ 10.4 અને પોરબંદરમાં 10.6 ડિગ્રી છે. જ્યારે અમદાવાદમાં 13.3 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે અને સતત બીજા દિવસે અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીથી નીચે રહ્યું છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં તાપમાનનો પારો 19 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. જ્યારે અન્ય શહેરોનીવાત કરીએ તો ડીસામાં 11.4 ડિગ્રી, વડોદરામાં 12, ગાંધીનગરમાં 12.4, અમરેલીમાં 13, ભૂજમાં 13.2 ડિગ્રી તાપમાન નોધાયું છે.
શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે દેશના મેદાનથી પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું. મેદાની પ્રદેશમાં કરાનો વરસાદ થતા મુશ્કેલીમાં વધારો થયો. જમ્મુ કશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે વિવિધ દુર્ઘટનામાં 12 લોકોના જીવ ગયા છે. લખીમપુર ખીરી, સીતાપુર, ગોંડા, અયોધ્યા અને શાહજાપુરમાં વીજળી પડતા છના મોત નિપજ્યા છે.
તો તરફ જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા યથાવત છે. હિમાચલ પ્રદેશમાં હિમપ્રપાતના કારણે ચિનાબ નદીંનુ વહેણ અટકી ગયુ. સાથે જ વરસાદ અને બરફવર્ષાના કારણે 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 500થી વધુ રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો. ભેખડો ધસી પડતા જમ્મુ-શ્રીનગર હાઈવે પર રવિવારે બીજા દિવસે પણ ટ્રાફિક બંધ રહ્યો. દિલ્લીમાં પણ વાદળો ઘેરાયેલા હોવાથી હળવો વરસાદ પડ્યો. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વસ્તારમાં પશ્ચિમી વિક્ષોભની સ્થિતિ અને પંજાબ આસપાસના વિસ્તારોમાં નીચા દબાણની સ્થિતિના કારણે હિમાચલ, લદાખ અને જમ્મુ કશ્મીરમાં વરસાદ અને બરફવર્ષા થઈ. ઉત્તરાખંડ, સિક્કિમ, બિહાર, ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા સાથે કરા પડ્યા. તો પંજાબ, દિલ્લી, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડ્યો.
માર્ચની શરૂઆતથી હવામાનમાં ઘણા ફેરફારો નોંધાયા છે. મેદાની વિસ્તારોમાં વરસાદથી તાપમાનનો પારો સામાન્ય થઈ ગયો હતો. તે જ સમયે, પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે તાપમાનમાં ફરી ઘટાડો થયો હતો. દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં સવારના તાપમાનમાં અચાનક ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાએ આમાં મોટો ફાળો આપ્યો છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ 8મી માર્ચ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. સમગ્ર દેશમાં વરસાદ કે હિમવર્ષાને લઈને કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
ઠંડી ફરી પાછી આવશે! 7 માર્ચથી હવામાન બદલાઈ શકે છે
જમ્મુ-કાશ્મીર, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશથી લઈને તમિલનાડુ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હાજરી જોવા મળી રહી છે. તે જ સમયે, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં 5 થી 7 માર્ચ દરમિયાન વરસાદ અને હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. જેના કારણે ફરી એકવાર તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.
આજના હવામાનની વાત કરીએ તો 5 માર્ચે આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વરસાદને કારણે સવારના તાપમાનમાં ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને ચંદીગઢમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.