યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ વતનમાં પરત ફરતાં સ્વાગત કરાયું, ભાવુક દ્રશ્યો સર્જાયા
યુક્રેનથી ભારત પહોંચેલા ગુજરાતના વિદ્યાર્થીઓ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ પરત ફરતાં તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરાઈ હતી. વિદ્યાર્થીઓનું આગમન થતાં સ્વાગત કરાયું હતું
Russia- Ukraine War: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા કેન્દ્ર સરકારે ઓપરેશન "ગંગા" શરુ કર્યું છે. ત્યારે આજે યુક્રેનથી ભારત પહોંચેલા ગુજરાતના વિદ્યાર્થીઓ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ પરત ફરતાં તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરાઈ હતી. વિદ્યાર્થીઓનું આગમન થતાં સ્વાગત કરાયું હતું અને વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવા વાહનનોની પણ વ્યવસ્થાા કરાઈ હતી.
અમદાવાદમાં વિદ્યાર્થીઓનું સ્વાગતઃ
મુંબઈથી ગુજરાત આવવા નિકળેલી વોલ્વો બસ અમદાવાદમાં આવતાં શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ત્રણ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મંત્રી જગદિશ પંચાલ, રાજેન્દ્ર ત્રિવેદી અને પ્રદિપ પરમાર અમદાવાદ શહેર મેયર કિરીટ પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. અંદાજે 11 વાગ્યે 25 જેટલા વિદ્યાર્થીઓ વોલ્વો બસમાં અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ આવ્યા પછી વિદ્યાર્થીઓ વતન પરત મોકલવા માટે સરકારે 20થી વધુ ગાડીઓની પણ વ્યવસ્થા કરી હતી. આ ગાડીઓમાં વિદ્યાર્થીઓને તેમના વતન સુધી મુકવામાં આવશે.
સુરત અને વડોદરામાં વિદ્યાર્થીઓનું સ્વાગતઃ
સુરતમાં પણ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું. સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ પરિવારને મળતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સુરતના કુલ 6 વિદ્યાર્થીઓ યુક્રેનથી વતનમાં પરત ફર્યા હતા.
બાળકો હેમખેમ પરત ફરતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ હતો અને વાલીઓએ ભારત સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ યુક્રેનની પરિસ્થિતિ વર્ણવી હતી.
વડોદરામાં પણ યુક્રેનમાં ફસાયેલા 23 વિદ્યાર્થીઓ મુંબઇથી વોલ્વો બસ દ્વારા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડીયા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા.
યુક્રેનમાં ફસાયેલા રાજકોટના વિદ્યાર્થીઓ વિશે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "રાજકોટ જિલ્લામાંથી 17 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. આજે કુલ 6 વિદ્યાર્થીઓ રાજકોટ પરત ફરશે. મુંબઈ અને દિલ્હીથી વિદ્યાર્થીઓ પરત રાજકોટ આવી રહ્યા છે. જેમાં પ્રથમ તબક્કે વિદ્યાર્થીઓ અને પછી નગરિકોને પરત લાવવામાં આવશે."