Amreli: સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ, ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો
અમરેલી જિલ્લાના તાલુકાઓમાં સતત કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે જાફરાબાદ અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.
અમરેલી: અમરેલી જિલ્લાના તાલુકાઓમાં સતત કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે જાફરાબાદ અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. જાફરાબાદના લોર, ફાચરિયા, પીંછડી, એભલવડ, નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, હેમાળ, ટીંબી સહિતના ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખડસલી, છાપરી, વીજપડી , ચીખલી સહિતના ગામોમાં ગાજવીજ સાથે માવઠુ પડતા ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે. સરકાર સર્વે કરી સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે.
Gujarat: કમોસમી વરસાદથી ઉત્તર ગુજરાતમાં ભારે નુકસાન, માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ઘઉં,અજમો, એરંડા સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવે. આ જ સ્થિતિ અરવલ્લી જિલ્લાની છે. અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેને લઈ મોડાસા તાલુકામાં તરબૂચ સહિતના પાકને ભારે નુકસાન થયું છે.
મોડાસા તાલુકાના વણિયાદ, કોકાપુર સહિતના ગામોમાં ખેડૂતોએ તરબૂચનું વાવેતર કર્યું હતું પરંતું કરા સાથે વરસાદ વરસતા તરબૂચના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ વેપારીઓ સાથે તરબૂચના સોદા પણ કરેલા જો કે માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં માવઠાએ તારાજી સર્જી છે. ઘઉં, રાયડો, એરંડો, જીરું અને બટાટા સહિતના પાકને નુકસાન થયું છે. પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ગઈકાલે એક કલાક ધોધમાર વરસાદ વરસતા યાર્ડ પાણી-પાણી થયું હતું. યાર્ડમાં ખુલ્લામાં રખાયેલી જણસી પાણીમાં ગરકાવ થઈ હતી. રાયડો, એરંડો, ઈસબગુલ સહિતનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અંદાજે 5 હજાર કરતાં વધુ બોરી ભરેલો માલ પાણીમાં પલળી જતાં વેપારીઓને પણ નુકસાન થયું છે. પાટણ જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને રોડવાનો વારો આવ્યો છે. સિદ્ધપુર તાલુકામાં ગઈકાલે 2 કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા ઘઉં સહિતના પાકને નુકસાન થયું છે.