Amreli: નામ બદલી લગ્નવાંછુક હિન્દુ યુવકને ફસાવતી વધુ એક મુસ્લિમ લૂંટેરી દુલ્હન ઝડપાઈ, જાણો વિગત
Amreli News: જ્યોતિ નામ ધારણ કરી ફરજાનાબાનુંએ સાવરકુંડલા ના યુવક દિનેશ જ્યાણી સાથે લગ્ન કરી રૂપિયા 90,000 પડાવી લીધા હતા. લગ્ન બાદ 15 દિવસ રહીને નાસી ગઈ હતી.
Amreli: અમરેલી જિલ્લામાં લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે મુસ્લિમ મહિલાએ હિન્દુ યુવતિ બની લગ્ન વાંછુક યુવક સાથે લગ્ન કર્યા હતા અને 15 દિવસમાં નાસી ગઈ હતી. આ અંગે અંગે દિનેશ જ્યાણી નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, જ્યોતિ નામ ધારણ કરી ફરજાનાબાનુંએ સાવરકુંડલા ના યુવક દિનેશ જ્યાણી સાથે લગ્ન કરી રૂપિયા 90,000 પડાવી લીધા હતા. લગ્ન બાદ 15 દિવસ રહીને નાસી ગઈ હતી. દિનેશ જયાણીએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ દ્વારા જ્યોતિ ઉર્ફે ફરજાનાબાનુને જલાલપુર વેસ્મો ગામેથી ઝડપી પાડી હતી. આ પહેલા ટોળકી સાવરકુંલાના યુવક પાસેથી રૂપિયા 1,90,000 ઝડપી લીધા હતા. બંને ગુનાના માસ્ટરમાઈન્ડ કિશોર મકવાણા અને તાહેરા ઉર્ફે કાજલને પોલીસે જેલ માંથી કબજો મેળવી ધોરણ કાર્યવાહી હાથ ધરી હતી.
નામ બદલી લગ્નવાંછુક હિન્દુ યુવકોને ફસાવતી મુસ્લિમ ગેંગનો થયો પર્દાફાશ, જાણો વિગત
થોડા દિવસ પહેલા સાવરકુંડલામાં લગ્નની લાલચ આપીને ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. સાવરકુંડલા તાલુકા પોલીસે ત્રણ મહિલા સહિત મુખ્ય સૂત્રધાર દલાલની ધરપકડ કરી હતી. ડીવાયએસપી હરેશ વોરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો અંગે સમગ્ર માહિતી આપી હતી.
શું છે મામલો
લુંટેરી દુલ્હને કંઈકને ચુનો ચોપડીને પૈસા લઈને લગ્ન કર્યા હતા. ગયા ઓક્ટોમ્બર મહિનામાં સાવરકુંડલાના નિકુંજ માધવાણી સાથે લગ્ન કરેલા સેજલ નામની આ દુલ્હન મૂળ રાજસ્થાન બાજુની છે. તેનું સાચું નામ મુસ્કાન છે. આ લગ્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો દલાલ કિશોર મિસ્ત્રી છે, જે સાવરકુંડલા ના થોરડી ગામનો છે. આ કિશોર મિસ્ત્રીએ જ લગ્ન કરાવામાં 1 લાખ 90 હજાર લઈને પોતાના ઘરે જ હાર પહેરાવીને સેજલ અને નિકુંજના લગ્ન કરાવ્યા હતા ત્યારે સેજલની માતા ગીતા અને કાજલ નામની યુવતીઓ હાજર રહી હતી.
લગ્નના 8 દિવસમાં ફરાર થઈ ગઈ હતી દુલ્હન
લગ્ન થયાના 8 દિવસ બાદ ઘરે જવાનું કહીને સેજલ ગઈ બાદ પરત ફરી નહોતી. આથી કિશોરે મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. જેથી કિશોરે ગલ્લાતલ્લા કર્યા હતા અને સેજલ સાથે નિકુંજે વાત કરતા નિકુંજને સેજલે કહેલું કે મારું સાચું નામ મુસ્કાન છે, મારી મમ્મીનું નામ ગીતા નહીં પણ પરવીન છે અને હું એક બાળકની માં છું. આથી નિકુંજ માધવાણીને ફ્રોડ થયાનું લાગતા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લુંટેરી દુલ્હનનો ભોગ બનેલાને પોલીસ ફરિયાદ કરવા અનુરોધ
સાવરકુંડલા તાલુકા પોલીસે ડીવાયએસપી હરેશ વોરાની આગેવાનીમાં સુરત ખાતેથી સેજલ ઉર્ફે મુસ્કાન, ગીતા બનેલી પરવીન અને કાજલ સાથે મુખ્ય સૂત્રધાર કિશોર મિસ્ત્રીની ધરપકડ કરી હતી. કિશોરે અગાઉ પણ સાવરકુંડલાના દોલતી ગામ, બાબરા તાલુકામાં પણ આ મુસ્કાનના લગ્ન કરાવ્યા હોવાની વિગતો પોલીસને જાણવા મળી હતી. કિશોર મિસ્ત્રીએ અન્ય કોઈ ના પણ આવા લુંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવ્યા છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી કરી હતી. ઉપરાંત આ લુટેરી દુલ્હન વિશે અન્ય કોઈ ભોગ બન્યા હોય તો સાવરકુંડલા તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો હતો.