(Source: ECI/ABP News/ABP Majha)
ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડશે
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સોમવારે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે.
રાજ્યના ખેડૂતો માટે ફરી માવઠાના માઠા સમાચાર આવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
તો આ તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ કમોસમી વરસાદ વરસી શકે છે.
જો કે અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુકુ રહેવાની સાથે જ હવામાં ભેજ હોવાથી લઘુત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બે દિવસ બાદ રાજ્યમાં નોંધનીય ઠંડી અનુભવાશે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો ઘડાટો નોંધાય શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ
આ તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સોમવારે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. સોમવારે દક્ષિણ ગુજરાતમાં બે કલાકમાં વ્યારામાં પોણા બે, કપરાડામાં દોઢ અને પલસાણામાં પોણો ઈંચ વરસાદ વરસતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં સોમવારે સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં જ પોણા બે ઈંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો. તો આ તરફ વલસાડના કપરાડા તાલુકામાં પણ બપોરે બે કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સુરતના પલસાણામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. આમ દક્ષિણ ગુજરાતમાં સોમવારે વરસેલા કમોસમી વરસાદથી ડાંગર, મગફળી, શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું હતું.
સૌરાષ્ટ્રમાં વરસાદ
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસર અને તેના પગલે ગુજરાતના દરિયાકાંઠા સુધી ટ્રોફના પગલે શિયાળાના આગમનને બ્રેક મારીને કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં સોમવારે વરસાદ વરસતા શિયાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતોને નુકસાન થયું છે. અમરેલી, ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં સોમવારે કમોસમી વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ અમરેલીના ખાંભાના લાસા ગામમાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો.
ખાંભાના તેમજ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. તો લાસા, તાતણીયામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ભરશિયાળે પાણી વહેતા થયા હતા. હગતા, વિજપડીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તેને લીધે શિયાળુ પાકને નુકસાન થયું છે.
સોમનાથ વેરાવળના પ્રભાસપાટણ અને તેની આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાંપટા વરસતા કાજલી માર્કેટ યાર્ડમાં બહાર પડી રહેલા અનાજની ગુણીને નુકસાન થયુ હતુ. તો વેરાવળ તાલુકાના કાજલી, સોનારીયા, બાદલપરા, નાવડા, ઈંદ્રોઈ, પંપડવા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદથી ઘઉં, ચણા, મરચી, ધાણા સહિતના પાકોને નુકસાન થયું હતુ. તાલાલાના ધાવા ગીર, આંકોલવાડી, હડમતીયા, મંડોરણા, બામણાસા સહિતના ગીર પંથકમાં અડધાથી સવા ઈંચ સુધીનો કમોસમી વરસાદ વરસ્યો.