ખેડૂતો માટે માઠા સમાચાર, હજુ 4 દિવસ નહીં વરસે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
નર્મદા સહિત રાજ્યના તમામ ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. દર વર્ષ કરતા ચાલુ વર્ષે રાજ્યમાં ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે.
વરસાદની રાહ જોતા ખેડૂતો માટે છે માઠા સમાચાર. હજુ 4 દિવસ વરસાદની નથી કોઈ સંભાવના. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસે તેવી કોઈ સંભાવના નથી. 30 અને 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે છૂટોછવાયો વરસાદ. હવામાન વિભાગના મતે ગુજરાતમાં હજુ 48 ટકા વરસાદની ઘટ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસી શકે છે. જો કે, હવામાન વિભાગના મતે સપ્ટેમ્બરમાં વરસાદ વરસશે તો પણ જે ઘટ છે તે પૂરી શકાશે નહીં.
વરસાદ ઘટ પર નીતિન પટેલનું નિવેદન
રાજ્યમાં વરસાદ ખેંચાતા તોળાઈ રહ્યો છે જળસંકટનો ખતરો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતની જનતાને આપ્યું છે અભય વચન. નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય. નર્મદા ડેમમાં હાલમાં એક વર્ષ સુધી ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પીવાનું પાણી અનામત રાખીને બાકીનું પાણી સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવશે તેવો પણ દાવો કર્યો છે. વધુમાં કહ્યું કે નર્મદા સહિત રાજ્યના તમામ ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. દર વર્ષ કરતા ચાલુ વર્ષે રાજ્યમાં ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે.
પાક સુકાવવા લાગ્યો
વરસાદ ખેંચાતા રાજ્યમાં ભારે પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ સિંચાઈના પાણી માટે પણ ખેડૂત સરકાર પાસે આજીજી કરી રહ્યો છે. અને પાણી પણ ન મળતા હવે ઉભો પાક સુકાવા લાગ્યો છે. સાણંદ તાલુકાના દદુકા ગામના ખેડુતો પાક નુકસાનની ચિંતા સેવી રહ્યો છે તો બીજી તરફ માલધારીઓને ઘાસચારાની ચિંતા સેવાઈ રહી છે. પશુઓના ઘાસચારા માટે પણ માલધારીઓ જીલ્લાઓ બદલી રહ્યા છે. માલધારીઓનું કહેવું છે કે, સુરેન્દ્રનગર જીલ્લામાં ઘાસચારો પણ પુરતો નથી. તેથી તેમને સાણંદના ગામડાઓમાં પશુનો ઘાસ ચારો લેવા માટે આવવુ પડે છે.