DELHI : ભાજપમાં જોડાતા પહેલા નરેશ રાવલ અને રાજુ પરમારે પીએમ મોદી સાથે કરી મુલાકાત
Naresh Rawal and Raju Parmar met PM Modi : કોંગ્રેસના બે પૂર્વ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમાર 17 ઓગષ્ટે ભાજપમાં જોડાશે.
DELHI : કોંગ્રેસના બે પૂર્વ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમાર 17 ઓગષ્ટે ભાજપમાં જોડાશે. જો કે ભાજપમાં જોડાતા પહેલા આ બેનને નેતાઓએ દિલ્લીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. નરેશ રાવલ અને રાજુ પરમાર સાથે કોંગ્રેસ નેતા વિજય કેલ્લા પણ હાજર રહ્યાં હતા. ગુજરાત કોંગ્રેસના આ બે પૂર્વ નેતાઓન પીએમ મોદી સાથેની મૂળાંકત ખુબ જ સૂચક માનવામાં આવી રહી છે. કારણ કે નરેશ રાવલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી છે અને વિજાપુરના ત્રણ વખતના ધારાસભ્ય છે. તો રાજુ પરમાર રાજ્યસભાના પૂર્વ સાંસદ છે. ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં આ બંને નેતાઓને કોઈ મોટી જવાદારી આપવામાં આવે તેવી પુરી શક્યતા પીએમ મોદી સાથેની મુલાકાત બાદ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગત 4 ઓગષ્ટે બંને નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
ગુજરાત કોંગ્રેસના આ બે પૂર્વ નેતાઓએ ગત 4 ઓગષ્ટે ગુજરાત કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે આ બંને નેતાઓ આગામી 17 ઓગષ્ટે ભાજપમાં જોડાશે.
ભાજપ નેતૃત્વ મને જે પણ કહેશે તે કરીશ : નરેશ રાવલ
મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ત્રણ વખતના ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી નરેશ રાવલે કહ્યું, “મને પાર્ટી સાથે ઘણી ફરિયાદો છે, પરંતુ આ તમામ મુદ્દાઓ પર વાત કરવાનો આ યોગ્ય સમય નથી, પરંતુ પાર્ટીને 'જય હિન્દ' કહેવું જોઈએ અને કહેવાનું નક્કી કર્યું. હું ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ અને પાર્ટી નેતૃત્વ મને જે પણ કહેશે તે કરીશ."
બીજા ઘણા નેતાઓ કોંગ્રેસ છોડશે : રાજુ પરમાર
ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે રાજ્યસભાના પૂર્વ સાંસદ રાજુ પરમારે જણાવ્યું હતું કે, "હું છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું. મને પાર્ટી સાથે કોઈ ફરિયાદ નથી, પરંતુ કમનસીબે પાર્ટી નેતૃત્વએ નવા આવનારાઓને મહત્વ આપવાનું શરૂ કર્યું છે. ક્યારેય કોઈ પદની માંગણી કરી નથી. કમનસીબે પાર્ટી દેવું ચૂકવવાની તક આપી રહી નથી. બીજા ઘણા વરિષ્ઠ નેતાઓ ટૂંક સમયમાં જ વિદાય લેવા જઈ રહ્યા છે."