ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, સરકારની આ સહાયમાં કર્યો વધારો
નાગરિકોને ચૂકવાતા વળતર-સહાયના દરોમા રાજ્ય સરકારે સુધારો કરી નવા દરો નક્કી કર્યા છે
ગાંધીનગરઃ ગુજરાત સરકારે વન્ય પ્રાણીઓથી માનવ મૃત્યુ- ઇજા અને પશુ મૃત્યુ સહાયમાં વધારો કર્યો છે. વન અને પર્યાવરણ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. મળતી જાણકારી અનુસાર, રાજયમાં આવેલ વન તથા અભ્યારણ અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે આવા કિસ્સાઓમાં નાગરિકોને ચૂકવાતા વળતર-સહાયના દરોમા રાજ્ય સરકારે સુધારો કરી નવા દરો નક્કી કર્યા છે.
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક વ્યક્તિદીઠ પહેલાં રૂપિયા 4 લાખની સહાય અપાતી હતી, એને વધારીને હવે રૂ.5 લાખની સહાય ચૂકવાશે. એ જ રીતે માનવને ઇજા સંદર્ભે 40 ટકાથી 60 ટકા, અપંગતા હોય તેવા કિસ્સામાં રૂપિયા 59,100ને બદલે હવે રૂ. 1 લાખની સહાય અપાશે. 60 ટકાથી વધુ અપંગતા હોય તો રૂપિયા 2 લાખ સહાય ચૂકવવામાં આવશે. તે સિવાય અગાઉ હિંસક પશુઓના હુમલામાં ઇજાગ્રસ્ત વ્યક્તિ ત્રણ દિવસ કે તેથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહે તો તેને સહાય ચૂકવવામાં આવતી નથી પરંતુ હવે સરકાર તેઓને 10 હજાર રૂપિયાની સહાય ચૂકવશે.
ઉપરાંત સરકાર દ્ધારા હિંસક પશુઓના હુમલામાં ગાય-ભેંસના મૃત્યુના કિસ્સામાં રૂ.50 હજારનું વળતર ચૂકવાશે. દૂધાળાં પશુનાં મૃત્યુના કિસ્સામાં સહાયમાં વધારો કરવામાં આવશે. ઉપરાંત દૂધાળાં પશુઓ માટે પણ પ્રત્યેક પશુદીઠ મૃત્યુ સહાયના નવા દરો નિયત કરાયા છે, જે અંતર્ગત ગાય-ભેંસ માટે રૂપિયા 30 હજારને બદલે હવે રૂ. 50 હજાર, ઊંટ માટે રૂપિયા 30 હજારને બદલે રૂ.40 હજાર, ઘેટાં-બકરાં માટે રૂપિયા 3 હજારને બદલે રૂપિયા 5 હજારની સહાય તથા બિનદૂધાળાં પશુઓમાં ઊંટ ઘોડા-બળદ માટે રૂપિયા 25 હજાર તથા રેલ્લો (પાડો-પાડી), ગાયની વાછરડી- ગધેડો-પોની વગેરે માટે રૂપિયા 16 હજારને બદલે રૂપિયા 20 હજારની સહાય ચૂકવાશે. આ નવા દરોનો અમલ 5 જાન્યુઆરીથી કરાશે.