Biparjoy Cyclone: રાજ્યમાં વાવાઝોડાની અસર શરુ, પોરબંદર દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, અનેક જગ્યાએ વરસાદ શરુ
Biparjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે ગીર સોમનાથના વેરાવળ સમુદ્ર કિનારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
Biparjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે ગીર સોમનાથના વેરાવળ સમુદ્ર કિનારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાનમાં અચાનક પલટો આવી ગયો છે.
તો બીજી તરફ જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. એક તરફ તડકો અને બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનથી વૃક્ષો હચમચી ગયા છે. જામનગર શહેરના ટાઉનહોલ, બેડીગેટ, લાલબંગલા સહિતના વિસ્તારમાં જોવા વરસાદ અને પવન જોવા મળી રહ્યો છે. જો કે શહેરના અન્ય વિસ્તારોમાં હજુ સુધી કોઈ અસર જોવા મળી નથી.
ભારે પવન અને દરિયામાં જોવા મળેલા કરંટના કારણે યાત્રાધામ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. આવતીકાલે 11 જૂનથી નવો નિર્ણય ન આવે ત્યાં સુધી ફેરી બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર વાદળો ઘેરાયા છે. નવાપુર પાસે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. બે ઋતુનો અનુભવ હાલ નવાપુરમાં જોવા મળ્યો છે. એક તરફ તડકો બીજી તરફ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ચોમાસુ બેસવાનું હોય તેવા અણસાર આપતા વાદળો જોવા મળી રહ્યા છે. આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
સંભવીત બિપરજોય વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. પોરબંદરના દરિયામાં ભારે કરંટ સાથે 10 થી 15 ફૂટ ઉચા મોજા ઉછળી રહ્યા છે. ચોપાટી ઇન્દ્રેસ્વર મહાદેવ મંદિર નજીકના રોડ સુધી સમુદ્રના મોજા ઉછળીને રોડ સુધી પહોંચ્યા છે. પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના દરીયા કિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને પણ સૂચના આપવામાં આવે છે કે દરિયા નજીક ન જવું.
માંગરોળમાં વાવઝોડાની અસર પૂર્વે સાવચેતીના પગલાં રૂપે લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. અફવા પર ધ્યાન ન આપવા સૂચના આપવામાં આવી છે. માંગરોળનાં દરિયામાં કરંટ જોવા મળતા તંત્ર એલર્ટ બન્યું છે. માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.