Tiranga Campaign: ભાજપનું 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ, સીએમ પટેલ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ
BJP Tiranga Campaign: આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરાઇ છે
BJP Tiranga Campaign: આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરાઇ છે. આજથી ગુજરાતમાં તિરંગા અભિયાનની શરૂઆત કરાવાઇ છે. આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં તિરંગા અભિયાન એટલે કે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવીને કરાવી છે. હવે રાજ્યના ચાર મોટા શહેરમાં આ તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
રાજ્યમાં આજથી ભાજપના 'હર ઘર તિરંગા' અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે. આજે સવારે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી આ અભિયાનની CMએ શરૂઆત કરાવી હતી. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે 50 લાખ તિરંગાનું વિતરણ થશે અને 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલશે. રાજ્યના ચાર મોટા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્ષે 'હર ઘર તિરંગા' અંતર્ગત રાજ્યમાં તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કૉન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેળા જેવા બહુવિધ કાર્યક્રમો યોજાવવાના છે. આ હર ઘર તિરંગા અભિયાન ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે.
ચાર મોટા શહેરોમાં તિરંગા અભિયાન -
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 11 ઓગસ્ટથી દેશભરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે, 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ યાત્રાનું ગુજરાતમાં પણ આયોજન કરાશે, જેને લઇને સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
માહિતી પ્રમાણે, આગામી 11 ઓગસ્ટે ગુજરાતના મોટા શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળશે. રાજ્યના ચાર મહાનગરોમાં તિરંગા યાત્રા યોજાશે. 10 ઓગસ્ટે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા હાજર રહેશે. આ પછી 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રા નીકળશે જેમાં મુખ્યમંત્રી અને કેંદ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરી રહેશે. 12મી ઓગસ્ટે વડોદરામાં અને 13મી ઓગસ્ટે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાની રેલી નીકળશે. આ રેલીમાં વિવિધ ટેબ્લો પ્રદર્શિત કરાશે. અમદાવાદ અને સુરતમાં પોલીસ, અર્ધલશ્કરી દળ અને સેનાના જવાનો આ તિરંગા યાત્રામાં જોડાશે. યાત્રા દરમિયાન એસ.ટી. બેસોના મુસાફરોને પણ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. તિરંગા યાત્રા દરમિયાન સરકાર દ્વારા ત્રિરંગા વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.