Election Result 2025 : 68 નગરપાલિકા પૈકી 60 પર BJP નો કબજો, કૉંગ્રેસે એક માત્ર નગરપાલિકમાં મેળવી જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. જ્યારે કૉંગ્રેસના ખાતામાં એક માત્ર સલાયા પાલિકા આવી છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ પાલિકામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો રહ્યો છે. આ બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે.
ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો
કુતિયાણા પાલિકામાં ઢેલીબેન ઓડેદરાના એકચક્રી શાસનનો અંત આવ્યો છે. ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. તેમની તો જીત થઈ પરંતુ ઢેલીબેને કુતિયાણા પાલિકા ગુમાવી છે. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં મોટો અપસેટ જોવા મળ્યો. કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ખુદ પાલિકાની ચૂંટણીમાં હારી ગયા હતા. એટલું જ નહીં તેઓ ચોરવાડ પાલિકા પણ જીતાડી ન શક્યા.
જૂનાગઢમાં ગિરીશ કોટેચાના પુત્રની હાર
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો ગઢ તો સાચવી રાખ્યો પરંતુ જૂનાગઢના 6 વખત ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના દબદબાનો અંત આવ્યો છે. આ વખતે ચૂંટણીમાં ભાજપે ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, તેમના પુત્રની હાર થઈ હતી. આમ જૂનાગઢ મહાનગરપાલિકામાં કોટેચા પરિવારની હાર થઈ છે. ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે.
માંગરોળમાં બસપા કિંગ મેકર
જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં ટાઈ થઈ છે. અહીં ભાજપ અને કૉંગ્રેસને 15-15 બેઠકો મળી છે. જ્યારે માયાવતીની પાર્ટી બહુજન સમાજપાર્ટીએ અહીં 4 બેઠકો પર જીત મેળવી છે. બસપાના ઉમેદવારો જેની સાથે જશે તેમની પાલિકામાં સત્તા આવશે.
5 હજાર ઉમેદવારો મેદાનમાં હતા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.
Election Result 2025 : રાજ્યની આ નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ, કૉંગ્રેસનું ખાતું ન ખુલ્યું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
