એક જ દિવસમાં કોંગ્રેસના બે મોટા નેતાઓએ પાર્ટી છોડી, એક BJPમાં જોડાયા, તો એક AAPમાં જોડાયા
કોંગ્રેસ નેતા કૈલાસ ગઢવી આમ આદમી પાર્ટીમાં અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા.
ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પલટાની પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે. અત્યાર સુધી માત્ર બે રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પક્ષ પલટો થતો હતો, હવે આ વર્ષથી આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઇ છે. પણ આમ મહત્વની વાત એ છે કે કોંગ્રેસમાંથી મોટા નેતાઓ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યાં છે. આજે 24 એપ્રિલે એક જ દિવસમાં કોંગ્રેસના બે મોટા નેતાઓએ પાર્ટી છોડી છે. કોંગ્રેસ નેતા કૈલાસ ગઢવી આમ આદમી પાર્ટીમાં અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસ નેતા કૈલાસ ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા
કોંગ્રેસ નેતા કૈલાસ ગઢવીએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કૈલાસ ગઢવી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ અને ઇસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે 10 જેટલા કોંગ્રેસના હોદ્દેદારો અને 300 જેટલા કાર્યકરો અને સમર્થકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કૈલાસ ગઢવી ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના અઘ્યક્ષ હતા તેમજ ટીવી ડિબેટમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હતા.
કોંગ્રેસ છોડતા પહેલા તેમણે એક ટ્વીટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. આ ટ્વીટમાં તેમણે લખ્યું, “સત્તા મેળવવા અને સરકાર બનાવવાના કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લાં ઘણા સમયથી કોંગ્રેસ નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવી શક્યું નથી. આનું સૌથી વધુ નુકસાન એ કાર્યકર્તાઓને થયું છે જે જમીન સાથે જોડાયેલા છે અને રાત દિવસ મહેનત કરે છે, હવે બહુ થાક લાગ્યો છે.”
પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા
વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા છે. મગરવાડા ખાતે ભાજપના વિશ્વાસ સંમેલનમાં મણિલાલ વાઘેલા જોડાયા છે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને ભાજપ આગેવાનોની હાજરીમાં મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા છે.