GANDHINAGAR : વીજળી અને સિંચાઈના પાણી મુદ્દે કોંગ્રેસનો હોબાળો, વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટ
GANDHINAGAR : સમાચાર એવા પણ મળી રહ્યાં છે કે કોંગ્રેસના ધારાસભ્યોના ઉગ્ર વિરોધને પગલે ગૃહમાં સાર્જન્ટ પણ બોલાવવામાં આવ્યા હતા
GANDHINAGAR : ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને અપૂરતી વીજળી અંગે કોંગ્રેસે આજે વિધાનસભામાં સરકારનો ઘેરાવ કર્યો હતો. રાજ્યના ઉર્જામંત્રીએ બે દિવસમાં અપૂરતી વીજળીનો પ્રશ્ન હાલ કરવાની ખાતરી આપી, આમ છતાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો અને બાદમાં વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું. સમાચાર એવા પણ મળી રહ્યાં છે કે કોંગ્રેસના ધારાસભ્યોના ઉગ્ર વિરોધને પગલે ગૃહમાં સાર્જન્ટ પણ બોલાવવામાં આવ્યા હતા.
સમગ્ર રાજ્યમાં વિજળીનો મુદ્દો ઉઠી રહ્યો છે. વિજળી ન મળતા ખેડૂતો પણ આક્રમક થયા છે. ગુજરાતમાં વિજળીના મુદ્દાને લઈ કૉંગ્રેસ પણ આક્રમક મૂડમાં છે. બે દિવસમાં વીજ સમસ્યા દૂર થવાના સરકારના દાવા પર કૉંગ્રેસે ગૃહમાં હોબાળો કર્યો છે.
વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે. ખેડૂતોને અપાતી અપૂરતી વીજળી મુદ્દે ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પૂરતો વીજ પુરવઠો ખેડૂતોને આપવા રજૂઆત કરી છે. કિસાન સંઘે પત્રમાં ઉલ્લેખ કર્યો કે, અનિયમિત વીજળીના કારણે ખેડૂતોનું એક માત્ર આવકનું સાધન ખેતી પોતાની નજર સમક્ષ સુકાઈ રહી છે. વર્તમાન સમયમાં કોલસા અને નેચરલ ગેસના ભાવમાં વધારો, વિંડ પાવરથી ઉત્પન્ન થતી વિજળીમાં પણ ઘટાડો થયો હોવાની રજૂઆત કરી. આ સાથે 15 માર્ચ સુધી ખેતી માટે જે પાણીનો જથ્થો આપવાની મર્યાદા છે તે વધારવાની પણ કિસાન સંઘે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.
ઉર્જામંત્રી કનુ દેસાઈએ આગામી બે દિવસમાં વીજળીની સમસ્યા દૂર થશે તેવું વચન આપ્યું છે. કનુ દેસાઈએ ગૃહમાં પ્રતિક્રિયા આપી કે, ભાજપ અને કૉંગ્રેસના નેતાઓએ ખેડૂતોને પૂરતી વીજળી આપવા પત્ર લખ્યા હતા.રાજ્યના અનેક વિસ્તારોમાં ખેતી માટે અપૂરતી વીજળી મળતી હોવાની ખેડૂતોની ફરિયાદ છે.અમરેલી જિલ્લામાં સૌથી વધુ અપૂરતી વીજળી મળતી હોવાની ફરીયાદ ઉઠી છે.ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ પૂરતી વીજળી ન મળતી હોવાથી ખેડૂતો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.