Cyclone Biparjoy: કામ વગર ઘર બહાર નીકળશો નહી, મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની લોકોને અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે.
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે બિપરજોય વવઝોડાની આ સંભવિત આપદાને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી.
ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પગલે સૌ નાગરિકોને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરી સાવચેતીના તમામ પગલા લેવાની ખાસ અપીલ કરું છું. આપણે સૌ જરૂરી સાવધાની રાખીને જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો પ્રયાસ કરીએ. pic.twitter.com/0QVrvjOAGS
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 13, 2023
ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપિલમાં જણાવ્યું કે, ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે. મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ. મુખ્યમંત્રીએ સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સલામતી, સાવચેતી અને અગમચેતી એ જ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે અને આવા સમયે રાજ્ય સરકાર દિવસરાત સૌની સલામતિ માટે સેવારત છે.
વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Cyclone Biparjoy : આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે કચ્છ અને દ્વારકામાં, જ્યારે ગુરુવારે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે 16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઇને હવામાન વિભાગે પણ આગાહી છે. પોરબંદર, દ્વારકા, કચ્છ,બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી
આ સિવાય ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ
પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. બખરલા,બગવદર,મઢવાડા,મજાવાણા,સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સોમવારથી સતત વરસાદી માહોલથી ખેતરો છે. દેવકા નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના તળાવો અને ચેકડેમ પણ છલકાયા છે.