Cyclone Biparjoy: સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસો રદ, જાણો કેટલા જિલ્લામાં એસટી વ્યવહાર ઠપ્પ કરાયો
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. વાવાઝોડાની અસરને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
ગાંધીનગર: ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. વાવાઝોડાની અસરને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની અસરના કારણે રેલવે વિભાગે અનેક ટ્રેનો રદ કરી છે, ત્યારે હવે એસટી વિભાગે પણ ઘણી બસોના રુટ ટૂંકાવ્યા છે જ્યારે અનેક બસો રદ કરી છે. સૌરાષ્ટ્રમાં જતી 350થી વધુ એસટી બસો રદ કરવામાં આવી છે. 60 બસના રૂટ ટૂંકાવાયા છે. જામનગર, પોરબંદર, સોમનાથ, દ્વારકા જિલ્લાના રૂટ પર એસટી વ્યવહાર સદંતર ઠપ્પ કરવામાં આવ્યો છે.
બિપરજોય વાવાઝોડાના પગલે જામનગર એસટી વિભાગે મોટો નિર્ણય કર્યો છે. વાવાઝોડાની સંભવિત અસરના કારણે જામનગર એસટી વિભાગે 16 રૂટ બંધ કર્ છે. જામનગરથી, દ્વારકા, વેરાવળ, પોરબંદર રૂટ સદંતર બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે.
બિપોરજોય વાવઝોડાને પગલે હિંમતનગર વિભાગીય એસટી કચેરી દ્વારા એસટી બસોના રુટો રદ કરવામાં આવ્યા છે. એસટી વિભાગીય કચેરીના 8 ડેપોના 18 એસટી બસોના રુટ રદ કરાયા છે. સાબરકાંઠા,અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના 8 ડેપોના 18 એસટી બસોના રુટ રદ કરાયા છે. 14 અને 15 જૂન બે દિવસ એસટી બસોના રૂટ રદ કરાયા છે.
કચ્છના જખૌ બંદર પરથી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જખૌમાં 522 બોટને સુરક્ષિત સ્થળે કાંઠા પર રખાઈ છે. બોટ રિપેરિંગનું કામ કરનાર 100 કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં માંડવીનો દરિયો તોફાની બન્યો છે. માંડવી દરિયાકિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થયો છે. દરિયાના મોજામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે. ભારે પવનના કારણે માંડવી બંદર ઉપર આવેલ ખાણીપીણાંનાં સ્લોટોના પતરા પણ ઉડ્યો છે. આજે કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
બિપરજોય વાવાઝોડાને લઈને જખૌ બંદર પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જખૌ બંદર પર જવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. રાઉન્ડ ધ ક્લોક બંદરના રસ્તા પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. માંડવી બંદર પર ભારે પવન ફૂંકાયો છે.
આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલથી કચ્છ,દ્વારકા અને ગુરુવારે દ્વારકા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો આગામી પાંચ દિવસ સુધી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઘણા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.