Gujarat Rain forecast: રાજ્યના 15 જિલ્લામાં વરસશે આફતનો વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain forecast: અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે હાલ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.
Gujarat Rain forecast: અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 15 જિલ્લાના અમૂક સ્થળો પર આજે પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
સૌરાષ્ટ્રના છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી,ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના બે જિલ્લાના અમૂક સ્થળ પર નુકસાનીના વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં નુકસાનીનો વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના અમુક સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
પાછોતરા વરસાદને લીધે ફરી રાજ્યના કેટલાક ડેમ ઓવરફ્લો થયાછે. 207 પૈકી કચ્છ સૌરાષ્ટ્રના 107, મધ્ય ગુજરાતના 15, દક્ષિણ ગુજરાતના 13 અને ઉત્તર ગુજરાતના 6 ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર રાજ્યના 185 ડેમ.. 90 ટકાથી વધુ ભરાયેલા 164 ડેમ હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 7 ડેમ એલર્ટ,જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 14 ડેમ વોર્નિંગ પર છે.
ચોમાસું પૂર્ણ થયા છતાં અવિરત વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ રહ્યુ છે. રાજ્યના તમામ ઝોનમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાક પર વરસાદી પાણી ફરી વળતાં નુકસાની ભીતિ સેવાઇ રહી છે. જેતપુર, લોધિકા, બગસરા પંથકના ખેતરોમાં તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયાના અહેવાલ છે. આ સ્થિતિના પગલે ખેડૂતો તાત્કાલિક સર્વે કરાવીને વહેલી તકે સહાય ચુકવવા માંગણી કરી છે.
આ પણ વાંચો
Rain Update: અમદાવાદમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, રસ્તા થયા પાણી પાણી