ભારે વરસાદને પગલે અનેક રસ્તાની સ્થિતિ કફોડી, રાજયનાં 56 ૨સ્તા બંધ
રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે પરંતું આજે સાંજે 4 વાગ્યા સુધી હજુ પણ રાજ્યના 56 રોડ- રસ્તા બંધ હાલતમાં છે.
ગાંધીનગર: રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે પરંતું આજે સાંજે 4 વાગ્યા સુધી હજુ પણ રાજ્યના 56 રોડ- રસ્તા બંધ હાલતમાં છે. પોરબંદર અને રાજકોટના બે સ્ટેટ હાઈવે સહિત કુલ 8 સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે. બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીનો એક સ્ટેટ હાઈવે પણ બંધ હાલતમાં છે. જ્યારે પંચાયત હસ્તકના કુલ 38 માર્ગો બંધ છે. સૌથી વધુ રાજકોટ અને પોરબંદરમાં પંચાયત હસ્તકના 12 રસ્તા બંધ હાલતમાં છે. અમદાવાદમાં ત્રણ, વડોદરામાં બે, છોટાઉદેપુરમાં ચાર રસ્તા બંધ છે. જ્યારે જૂનાગઢમાં આઠ તો ભાવનગરમાં છ રસ્તા બંધ હાલતમાં છે. આ ઉપરાંત નર્મદા, જામનગર, દ્વારકા, સુરેંદ્રનગર અને ગીર સોમનાથમાં એક- એક રોડ બંધ હાલતમાં છે.
શાહીન વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી દૂર હોવાથી રાજ્યમાં નુકસાન થવાની શક્યતાઓ નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહીસાગર, દાદરનગર હવેલી, દીવમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. આગામી 3 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ આવી શકે છે. ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ નહિંવત રહેશે. છૂટો છવાયો વરસાદ પડવાની હવમાન વિભાગે આગાહી કરી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. નવરાત્રીમાં પણ વરસાદ નહીં હોય. સારી વાત એ છે કે રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. 2 ટકા વધુ વરસાદ નોંધાયો છે. એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો 24 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો વાવાઝોડું શાહીન હવે ગુજરાતના કાંઠેથી 400 કિલોમીટર દૂર છે.
ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં શનિવારે ભારે વરસાદ પડ્યો છે.