Sardar Sarovar dam: ભારે વરસાદથી સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, 137.76 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સીઝનમાં પ્રથમવાર 137.76 મીટરે પહોંચી છે.
નર્મદા: ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સીઝનમાં પ્રથમવાર 137.76 મીટરે પહોંચી છે. 24 કલાકમાં પાણીની સપાટી 24 સે.મી. વધી છે. મહત્તમ સપાટી - 138.68 મીટર છે. હાલ પાણીની આવક - 1,26,675 ક્યુસેક છે. જ્યારે દરવાજા મારફતે 5,000 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 42,943 ક્યુસેક પાણીની જાવક છે. રવિવારના રાતના 12 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.76 મીટર થઇ છે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી
દરિયામાં સર્જાયેલા લૉ પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે આણંદ ,વડોદરા,ખેડા અને પંચમહાલમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ સહિત અન્ય વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 ઓગસ્ટે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીરસોમનાથ, ભાવનગરમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગના મતે 14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. નવસારી, વલસાડ, વાપી સહિત અન્ય વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 અને 16 ઓગસ્ટે નવસારી, વલસાડ, ડાંગ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના મતે મંગળવારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
અમદાવાદ શહેરમાં વરસ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત ત્રીજા દિવસે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના એસ.જી. હાઈવે, પ્રહલાદ નગર, ઈસ્કોન અને શ્યામલ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. સાયન્સ સીટી, બોપલ ઘુમા, પકવાન, થલતેજ, બોડકદેવ, શીલજ સહિત અનેક વિસ્તારમાં પણ જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો છે. અમદાવાદના ગોતા, સોલા, સરખેજ, સેટેલાઈટ અને આનંદનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના મણિનગર, ઈસનપુર અને ખોખરા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કોર્પોરેટ રોડ અને રામદેવનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા છે. વાહનચાલકો અને રાહદારીઓની પાણી ભરાતા હાલાકી વધી છે.