Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
સુપ્રીમ કોર્ટે કહ્યું-તાત્કાલિક વળતર વિના વ્યક્તિને તેની મિલકતમાંથી બહાર કાઢી શકાય નહીં
અધિકારીઓના ઢીલા વલણને કારણે 22 વર્ષથી વળતરની રાહ જોઈ રહેલા જમીન માલિકો સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે કલ્યાણકારી રાજ્યમાં મિલકતનો અધિકાર માનવ અધિકાર છે. બંધારણના અનુચ્છેદ 300-A હેઠળ આ બંધારણીય અધિકાર છે અને તાત્કાલિક વળતર વિના વ્યક્તિને તેની મિલકતમાંથી બહાર કાઢી શકાય નહીં.
સર્વોચ્ચ અદાલતે 2003ના આ કેસમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો અને તેને 2019ના બજાર ભાવ પ્રમાણે કિંમત નક્કી કરીને જમીન માલિકોને વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડે 22 નવેમ્બર 2005ના રોજ અપીલકર્તાઓની જમીનનો કબજો લઈ લીધો હતો, પરંતુ આજ સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી.
જસ્ટિસ બીઆર ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે કર્ણાટક સરકારની એ હકીકતની ટીકા કરી હતી કે અધિકારીઓના નિંદ્રાધીન અને બેદરકાર વલણને કારણે સંપાદિત જમીનના માલિકોને આટલા વર્ષો સુધી વળતર વિના રહેવું પડ્યું હતું. અપીલકર્તાઓની જમીનનો કબજો લીધા પછી ઓથોરિટીએ તેને નંદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઇઝિસ અને તેની સહયોગી કંપની નંદી ઇકોનોમિક કોરિડોર એન્ટરપ્રાઇઝ લિમિટેડને સોંપી દીધી. પરંતુ આવા સંપાદન માટે કોઈ તાત્કાલિક વળતર આપવામાં આવ્યું નહોતું.
આ જમીન બેંગ્લોર-મૈસુરને જોડતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી હતી. આ કિસ્સામાં અપીલકર્તાઓએ કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને તે સમયના પ્રવર્તમાન બજાર કિંમતના આધારે વળતર નક્કી કરવા માંગ કરી હતી. હાઈકોર્ટે અરજી ફગાવી દેતાં પીડિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય 2003થી 2019 સુધી ગાઢ નિંદ્રામાં હતું. અવમાનનાની કાર્યવાહીમાં નોટિસ પાઠવ્યા બાદ પ્રથમ વખત કાર્યવાહી કરવામાં આવી હતી. સત્તા ન હોવા છતાં વિશેષ જમીન સંપાદન અધિકારી (SLAO) એ બજાર કિંમત નક્કી કરવાની તારીખમાં ફેરફાર કર્યો, જે યોગ્ય પગલું હતું. જો 2003ના બજાર મૂલ્ય પર વળતર ચૂકવવાની મંજૂરી આપવામાં આવે તો તે ન્યાય અને કલમ 300-A હેઠળ કાયદાના અધિકાર વિના મિલકતથી વંચિત રહેવાના હકના બંધારણીય જોગવાઇની મજાક ઉડાવવા સમાન હશે.
એ વાતને નકારી શકાય નહીં કે પૈસા એ વસ્તુ છે જે પૈસા ખરીદી શકે છે. નાણાંનું મૂલ્ય એ વિચાર પર આધારિત છે કે તેને રિટર્ન મેળવવા માટે રોકાણ કરવામાં આવી શકે છે અને ફુગાવાના કારણે નાણાંની ખરીદ શક્તિ સમય જતાં ઘટે છે.
બેન્ચે કહ્યું કે, અપીલકર્તાઓ 2003માં વળતર સાથે જે કંઈ પણ ખરીદી શકતા હતા, તેઓ 2025માં ખરીદી શકતા નથી. તેથી જમીન સંપાદનમાં વળતર નિર્ધારણ અને વિતરણ ઝડપથી થાય તે અત્યંત જરૂરી છે.