દ્વારકાના ડેપ્યૂટી કલેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, જાણો ACBએ કઈ રીતે છટકુ ગોઠવી રંગેહાથ ઝડપ્યા
દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટરિયા લાંચ લેતો ઝડપાયો છે. ગાંધીનગર ACBએ છટકુ ગોઠવી ત્રણ લાખની લાંચ લેતા લાંચિયા અધિકારીને રંગેહાથે ઝડપી પાડ્યો છે. એક જાગૃત નાગરિકની સમજદારીથી અધિકારી ઝડપાયો હતો.
દેવભૂમિ દ્વારકા: દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટરિયા લાંચ લેતો ઝડપાયો છે. ગાંધીનગર ACBએ છટકુ ગોઠવી ત્રણ લાખની લાંચ લેતા લાંચિયા અધિકારીને રંગેહાથે ઝડપી પાડ્યો છે. એક જાગૃત નાગરિકની સમજદારીથી અધિકારી ઝડપાયો હતો. લાંચિયો અધિકારીએ પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા લાંચ માંગી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા રૂ 3 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાએ પાક રક્ષણ માટેના હથિયારનો પરવાનો આપવાના બદલામાં અરજદાર પાસેથી લાંચ માગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જાણવા મળ્યા પ્રમાણે જિલ્લાના એક અરજદારને પાક રક્ષણ માટે હથિયારના લાયસન્સની જરૂરિયાત હોવાથી તેમણે અરજી કરી હતી. આ અરજી બાદ ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા દ્વારા અરજદારને હથિયારના લાયસન્સના બદલામાં રૂ 3 લાખની લાંચ માંગવામાં આવી હતી. જે અરજદાર આપવા માંગતાં ન હોય તેમણે સ્થાનિક એસીબીમાં જાણ કરવાને બદલે સીધી ગાંધીનગર એસીબીમાં જ આ અંગેની ફરિયાદ કરી હતી.
ફરિયાદ મળ્યા બાદ ગાંધીનગર એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા અરજદાર પાસેથી લાંચ લેતાં રંગેહાથ પકડાઈ જતાં તેમની અટકાયત કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાંચકાંડમાં પકડાયા બાદ એસીબી દ્વારા નિહાર ભેટારિયાના ઘરની પણ તલાશી લીધી હતી. જો કે ત્યાંથી કશું વાંધાજનક મળ્યું કે કેમ તેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઉપરાંત લાંચ અંગે પણ એસીબી દ્વારા કોઈ જ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. એકંદરે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી લાંચના છટકામાં સપડાઈ જતાં સરકારી કર્મચારીઓમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને આ અંગેના સમાચાર જાણવા માટે એકબીજાનો ટેલિફોનિક સંપર્ક કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અરજદાર પાસેથી રૂ 3 લાખની લાંચ લેવાના ગુનામાં પકડાયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાને આઠ મહિના પહેલાં જ સરકારે એવોર્ડ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભેટારિયાએ ચૂંટણીમાં કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને આ એવોર્ડ અપાયો હતો અને તેઓ આખા રાજ્યમાં ચૂંટણી સંદર્ભની કામગીરી કરવામાં અવ્વલ રહ્યા હતા. ભેટારિયા છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે કાર્યરત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.