બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગ દરમિયાન 2 લાખ 82 હજાર 164 ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 1029 કરોડ રૂપિયાની વીજચોરી થઈ છે. જ્યારે દોઢ લાખ વીજગ્રાહકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. GUVNLના 16 પોલીસ સ્ટેશનમાં રેકોર્ડબ્રેક ફરિયાદ નોંધાઇ હતી. તે સિવાય વીજ ચેકિંગ ટીમ પર હુમલાના બે વર્ષમાં 61 બનાવો બન્યા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજચોરી ઝડપાઈ હતી.
રાજયમાં છેલ્લા બે વર્ષમાં જ 1029 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે અને દોઢ લાખ ગ્રાહકો સામે ગુનો દાખલ કરાયા છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના 16 પોલીસ સ્ટેશનમાં ઈલેક્ટ્રિસીટી એક્ટ હેઠળ રેકોર્ડબ્રેક ફરિયાદ નોંધાઈ છે. વીજ ચેકિંગની કાર્યવાહી દરમિયાન હુમલાના 61 બનાવો બન્યા હતા. સૌથી વધુ વીજ ચોરી અને હુમલાના બનાવ સૌરાષ્ટ્રમાં નોંધાયા હતા.
છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગ દરમિયાન 2 લાખ 82 હજાર 164 ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. આ પૈકીના 1 લાખ 52 હજાર 602 ગ્રાહકોએ વીજ ચોરીના 1029 કરોડની રકમ ન ચૂકવતા તેમની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરાયા હતા. વીજચોરી કરનારા તત્વો સામે ઈન્ડિયન ઈલેકટ્રિસિટી એક્ટ 2003ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ કાયદામાં દંડ અને ત્રણ વર્ષની સજાની જોગવાઈ હોવા છતાં વીજચોરોને કોઈ ડર ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. આટલું જ નહીં વીજચોરી કરનારા તત્વો એટલી હદે બેખૌફ થયા છે કે તેઓ વીજ ચેકિંગ માટે પોલીસ કાફલા સાથે આવેલી ટીમ પર પથ્થરમારો અને હુમલો કરતા સહેજ પણ ખચકાતા નથી.
છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગમાં ગયેલા સ્ટાફ પર હુમલાના 61 બનાવો બન્યા છે. જે વીજચોરોને કોઈ ડર ન હોવાનો પુરાવો આપી રહ્યા છે. સૌથી વધુ વીજ ચોરી સૌરાષ્ટ્રમાં થાય છે. બે વર્ષમાં સૌથી વધુ વીજ ચોરીના 54 હજાર ગુના સૌરાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યમાં DGVCL, MGVCL, UGVCL અને PGVCL એમ ચાર કંપની તરફથી વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવે છે. આ કંપનીઓ સમયાંતરે પોતાના વિસ્તારમાં વીજ ચેકિંગની ડ્રાઈવ કરે છે.





















