સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં સેલ્ફીના ચક્કરમાં જિંદગી જોખમમાં મૂકાઈ હતી

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં સેલ્ફીના ચક્કરમાં જિંદગી જોખમમાં મૂકાઈ હતી. સેલ્ફી લેવાના ચક્કરમાં પાંચ યુવકનો જીવ જોખમમાં મુકાયો હતો. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં પાંચ યુવકો સેલ્ફી માટે નદી કિનારે લાંગરેલી બોટમાં ગયા હતાં. જ્યાં સેલ્ફી ખેંચી મોજમસ્તી કરી રહ્યા હતાં. આ દરમિયાન જ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓચિંતો વધ્યો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચેય યુવક ફસાયા હતાં. સદનસીબે સ્થાનિક નાવિકને જાણ થતા તાત્કાલિક રેસ્ક્યુ કરી પાંચેય યુવકનો જીવ બચાવી લીધો હતો.
છ લોકો પાણીના પ્રવાહમાં તણાયા
છોટાઉદેપુરમાં ભોરદલી- રજુવાંટને જોડતા માર્ગ પર ઓરસંગ નદીના પટમાં બનાવેલા કોઝ-વે પર ગઈકાલે સાંજના સમયે યુવક-યુવતીઓ પસાર થતા હતા. ત્યારે અકસ્માતે એકનો પગ લપસી ગયો અને પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. એક યુવતીને બચાવવા એક બાદ એક એમ છ લોકો પાણીમાં કૂદ્યા અને પ્રવાહમાં તણાયા હતા. સદનસીબે ઘટનાની જાણ થતા તાત્કાલિક આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામનું રેસ્ક્યુ કર્યું હતું. સમયસર મદદ મળી જતા તમામનો બચાવ થયો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં જળસ્તર વધ્યું હતું. કોઝ-વે પર ફરી વળેલા પાણીમાંથી લોકો જીવના જોખમે પસાર થતા હતાં. કોઝ-વેના સ્થાને અહીં પુલ બનાવવા ગ્રામજનો વર્ષોથી માંગ કરી રહ્યા છે.
બોરવેલમાં ખાબકેલા બાળકનો આબાદ બચાવ
કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામે 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલા માસૂમનો આબાદ બચાવ થયો હતો. વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા બંધ બોરવેલમાં પડી ગયો હતો. રાકેશ નામનો માસૂમ વાડીમાં રમત રમી રહ્યો હતો ત્યારે તે રમતા- રમતા બોરવેલ પાસે પહોંચ્યો હતો. વાડી માલિકે બોરવેલ તો પથ્થરથી ઢાંક્યો હતો પરંતું પથ્થર ખસેડીને નીચે શું છે તે જોવાની 9 વર્ષીય રાકેશની ઉત્સુકતામાં તે બોરવેલમાં ખાબક્યો હતો. તેના સાથી મિત્રો ગભરાઈને તરત જ ઘરે દોડી ગયા અને વડીલોને જાણ કરી હતી. આ સમાચાર મળતા જ ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવાર અને સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં ગ્રામીણોએ ગભરાયા વગર સંયમ અને સમજદારી દાખવી હતી. તેઓએ તાત્કાલિક બોરવેલ પાસે પહોંચી બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રાકેશના રડવાનો અવાજ સાંભળીને તેના જીવિત હોવાની ખાતરી થઈ, જેથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનોએ ધીમેથી એક મજબૂત દોરડુ બોરવેલમાં નાખ્યું અને બાળકને શાંતિથી સમજાવ્યો કે તે દોરડાને પકડી લે. બાળકે દોરડુ પકડી લીધા બાદ ગ્રામજનોએ ધીમે ધીમે તેને સલામત રીતે બહાર કાઢ્યો. આ ચમત્કારિક બચાવમાં બાળકને ફ્રેક્ચર જેવી સામાન્ય ઈજાઓ સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નથી.





















