ગીર સોમનાથમાં જળપ્રલયઃ આ તાલુકામાં 48 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ગામ બેટમાં ફેરવાયા
ઈદ્રોઈ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેમ કે, ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં જળપ્રલયની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી મેઘરાજા અહીં રૌદ્ર બનીને વરસી રહ્યા છે. સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થના સરસ્વતી નદીમાં આવેલું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. હંમેશની જેમ સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી પ્રભુ પાણીમાં જળમગ્ન થયા છે.
સીઝનમાં પહેલી વખત સરસ્વતી નદી બે કાંઠે વહેતા અહીના પૂજારી ઋષિ બાપુએ નવા નીરના વધામણા કર્યા હતા. તો નદીમાં પૂરને જોવા આસપાસના ગ્રામજનો ઉમટી પડ્યા હતા. તો હિરણ 2 ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. વેરાવળ અને તાલાલાની વચ્ચે આવેલો છે હિરણ 2 ડેમ. જો કે, હિરણ 2 ડેમ હજુ છલકાયો નથી. કેમ કે, હિરણ 1 ડેમ છલકાયા બાદ હિરણ 2 ડેમમાં પાણીની આવક વધે છે.
ગીર સોમનાથના સૂત્રાપાડામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે બપોરના 4 વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 48 કલાકમાં સુત્રાપાડામાં 18 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. સુત્રાપાડાનું વડોદરા ઝાલા ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ગ્રામજનોના મતે 55થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તો ખેતરો તળાવમાં ફેરવાયા છે.
ગ્રામજનોના મતે 15 દિવસ સુધી અહીં પાણી ઓસરતા નથી. તો ઉના શહેરમાં પણ જળબંબાકરની સ્થિતિ જોવા મળી છે. ગઈકાલે ઉના શહેરમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
તો વેરાવળ શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહેતા થયા. વેરાવળના ઈદ્રોઈ ગામ તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. હિરણ નદીમાં પૂર આવતા પાણી ઈદ્રોઈ અને નવાદ્રા રોડ પર ફરી વળ્યા છે. ઈદ્રોઈ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેમ કે, ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે.
તો નવાદ્રા ગામમાં 2 દિવસથી શાળામાં રજા આપી દેવાઈ છે. વરસાદી પાણી શાળાના પરિસરમાં ફરી વળતા રજા અપાઈ છે. શાળાની કંપાઉન્ડ વોલ તૂટી જતા વર્ષોથી ચોમાસામાં પાણી શાળામાં ફરી વળે છે. તો વેરાવળની દેવકા નદીમાં પૂર આવ્યા છે. ડાભોર ગામમાંથી થઈ વેરાવળ શહેરમાંથી પસાસ થતી દેવકા નદી બે કાંઠે વહી રહી છે.