શોધખોળ કરો
Advertisement
ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં બહુ ગાજેલા ‘આચાર્ય પક્ષ’ અને ‘દેવ પક્ષ’ શું છે? જાણો મહત્વની વિગત
આચાર્ય પક્ષના એસ.પી. સ્વામી છેલ્લાં 16 વર્ષથી આ મંદિરનો વહીવટ સંભાળતા હતા પણ હવે તેમની સત્તાનો અંત આવ્યો છે.
અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢડા મંદિરની ચૂંટણીએ સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. આ ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ સામસામે આવી ગયા હતા. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની આ ચૂંટણીમાં દેવ પક્ષના 4 ઉમેદવારોની પેનલ જીતી છે જ્યારે આચાર્ય પક્ષના ત્રણ ઉમેદવારની જીત થઇ છે.
આચાર્ય પક્ષના એસ.પી. સ્વામી છેલ્લાં 16 વર્ષથી આ મંદિરનો વહીવટ સંભાળતા હતા પણ હવે તેમની સત્તાનો અંત આવ્યો છે. તેમના સ્થાને દેવ પક્ષના હરજીવન સ્વામી હવે મંદિરનો વહીવટ કરશે. આ ચૂંટણીમાં ‘આચાર્ય પક્ષ’ અને ‘દેવ પક્ષ’ એ બે શબ્દો બહુ ગાજ્યા પણ મોટા ભાગનાં લોકોને તે વિશે ખબર નથી.
‘આચાર્ય પક્ષ’ અને ‘દેવ પક્ષ’ સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર કબજો કરવા માટે ઝગડતાં બે જૂથ છે. આ પૈકી ‘આચાર્ય પક્ષ’ના વડા તરીકે આચાર્ય અજેન્દ્ર પ્રસાદ પાંડે છે અને ‘દેવ પક્ષ’ના વડા તરીકે રાકેશ પ્રસાદ મહેન્દ્ર પ્રસાદ પાંડે છે. બંને ભગવાન સ્વામીનિરાયણના સીધા વંશજ છે.
વડતાલ સ્વામિનીરાયણ મંદિરના તાબા હેઠળ વડતાલ ઉપરાંત જૂનાગઢ અને ગઢડા એમ ત્રણ મંદિરો આવે છે. આ પૈકી વડતાલ મંદિરના ગાદીપતિ તરીકે હાલ રાકેશ પ્રસાદ છે. વડતાલ મંદિર પર વર્ચસ્વ માટે 16 વર્ષથી વિવાદ ચાલ્યો હતો. તે પછી જૂન 2018માં નડિયાદ કોર્ટે રાકેશ પ્રસાદની કરેલી નિમણૂંકને યોગ્ય ઠેરવી હતી.
આ વિવાદની શરૂઆત 2003માં થઈ હતી. અજેન્દ્ર પ્રસાદ 1984થી વડતાલ મંદિરના ગાદીપતિ હતા પણ 31 જાન્યુઆરી 2003ના રોજ સાળંગપુર ખાતે મળેલી સંતો અને હરિભક્તોની મહાસભામાં દક્ષિણ દેશ વિભાગ સત્સંગ મહાસભા દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરીને અજેન્દ્ર પ્રસાદજી નરેન્દ્ર પ્રસાદજી પાંડેને પદભ્રષ્ટ કર્યા હતા.
મહાસાભાએ રાકેશ પ્રસાદને ગાદીપતિ તરીકે બેસાડયા હતા. અજેન્દ્ર પ્રસાદે સંપ્રદાયના નિયમ વિરુધ્ધ જઇને વઢવાણ ખાતે ત્રીજી ગાદી સ્થાપીને શ્રીજી મહારાજના આદેશો અને પવિત્ર શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યુ હોવાના આક્ષેપો થયા હતા.
આ ઉપરાંત બ્રહ્મચારી અને સાધુને દીક્ષા ન આપવી, ગૃહસ્થ હરિભક્તોને ગુરુમંત્ર ન આપવો, નૂતન મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કે પુન: પ્રતિષ્ઠા ન કરવી, હરિભક્તોના ત્યાં પધરામણી ન કરવી, ભેટ મંદિરમાં જમા ન કરાવવી અને તે પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લેવા જેવા અનેક આક્ષેપો થયા હતા.
અજેન્દ્ર પ્રસાદને પદભ્રષ્ટ કરાતાં તેમણે નડિયાદ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે લાંબી કાર્યવાહી બાદ આચાર્ય રાકેશ પ્રસાદજીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. કોર્ટના ચુકાદા પ્રમાણે આચાર્ય રાકેશ પ્રસાદ મંદિરમાં સેવા આપે છે અને અજેન્દ્ર પ્રસાદને મંદિરમાં આચાર્ય તરીકેના હોદ્દા પરથી દૂર કરાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion