નર્મદે હર : નર્મદા કિનારે ગંગાદશેરા પર્વની ધામધૂમથી ઉજવણી, નર્મદા મૈયાને 52 ગજની સાડી અર્પણ કરવમાં આવી
Gangadasera Parva : હિન્દુ ધર્મમાં ગંગા દશેરાનું ખુબ મહત્વ રહેલું છે. શાસ્ત્રો પ્રમાણે જે દિવસે ગંગા નદી પૃથ્વી પર અવતરણ પામી હતી, તે દિવસે જેઠ શુક્લ પક્ષ દસમી તિથિ હતી.
Narmada : ગુજરાતમાંથી પસાર થતી નર્મદા નદીનું ધાર્મિક મહત્વ અનેરું છે. ગંગા નદી જેટલું જ મહત્વ ધરાવતી આ નર્મદા નદીની ગંગાદશેરા નિમિતે પૂજા અર્ચના અને દીવડાઓ કરવામાં આવે છે.
ગંગાદશેરાનું પર્વ
જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આ તહેવાર નર્મદા જિલ્લામાં ભારે ધામધૂમથી મનાવાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારે છે. હિન્દુ ધર્મમાં ગંગા દશેરાનું ખુબ મહત્વ રહેલું છે. શાસ્ત્રો પ્રમાણે જે દિવસે ગંગા નદી પૃથ્વી પર અવતરણ પામી હતી, તે દિવસે જેઠ શુક્લ પક્ષ દસમી તિથિ હતી. આ કારણે દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની દસમી તિથિએ ગંગા દશેરાનું પર્વ મનાવવામાં આવે છે.
નર્મદાજીમાં સ્નાન કરવાનું મહત્વ
માન્યતા છે કે, આ દિવસે નર્મદાજીમાં સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે. અમરકંટકથી નીકળતી નર્મદાનું પણ ગંગા જેટલું જ મહત્વ છે. તેના કારણે ગંગા દશેરાના દિવસો દરમ્યાન નર્મદા મૈયાનો તહેવાર મનાવવામાં આવે છે. 31 મેથી 9 જૂન સુધી ગંગાદશેરાનું પર્વ મનાવવામાં આવે છે. આ દિવસોમાં નર્મદા મૈયાને 52 ગજની સાડી અર્પણ કરવમાં આવે છે.
પુરાણોમાં નર્મદાનું વર્ણન
પુરાણોમાં દર્શાવેલી વાતો પ્રમાણે નર્મદા એ ભગવાન શિવની પુત્રી છે, તે કુંવારી છે એટલે કે સાગરમાં મળતી નથી. પૌરાણિકતા અનુસાર ભારતમાં આ એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર, દેવો અને દૈત્યોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી મળી આવેલા વિષને પીવા માટે કોઈ તૈયાર નહોતું. આ વખતે શિવજીએ આ વિષ પી લીધું હતું અને અમરકંટકના પહાડો પર તપશ્ચર્યા માટે બેઠા હતા. તે દરમ્યાન તેમના શરીર પર વિષની અસર થઈ અને શરીરમાંથી પરસેવો નિકળ્યો, જેને નર્મદા નામ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
નર્મદાજીમાં સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે
લોકવાયકા અનુસાર ગંગાજીમાં મનુષ્યો પાપ ધોવા માટે સ્નાન કરે છે, સ્નાન કરીને પાપ ગંગાજીમાં ધોઈ નાંખે છે. ત્યારે ગંગાજીએ શિવજી સમક્ષ રજૂઆત કરી હતી કે મનુષ્યોના પાપ મારે કયા ધોવા જવા, ત્યારે શિવજીએ આર્શિવાદ આપીને કહ્યું હતું કે વર્ષમાં એક વખત જેઠ મહિનાની દસમે પૃથ્વી પર નર્મદાજી વહે છે, તેમાં તમારે જવાનું અને નર્મદાજીમાં સ્નાન કરીને પાપ ધોવાના. તમે જોયું હશે કે નર્મદાનું પાણી શ્યામ હોય છે. અને ગંગાદશેરાના દિવસે નર્મદાજીમાં સાક્ષાત ગંગાજી પ્રગટ થાય છે, અને ગંગાજીનું પાણી સફેદ હોય છે. ગંગાદશેરાના દિવસે નર્મદાના શ્યામ પાણીમાં ગંગાજીની સફેદ ધારા દેખાય છે. એટલે ગંગાદશેરાના દિવસે નર્મદાજીમાં સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.