કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
Vikram Thakor, Geniben Thakor: બનાસકાંઠા લોકોસભા સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર સામે પક્ષપાતી વલણને લઇને સવાલો ઉઠાવ્યા છે

Vikram Thakor, Geniben Thakor: ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ થયા છે. વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી. આ મુદ્દે વધુ વકર્યો છે અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ મેદાનમાં આવ્યા છે. ગેનીબેન ઠાકોરે સરકાર સામે આ મુદ્દે બાંયો ચઢાવતા કહ્યું કે, સરકાર ઠાકોર સમાજ સાથે પક્ષપાતી વલણ અપનાવી રહી છે, ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ રહી છે.
બનાસકાંઠા લોકોસભા સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર સામે પક્ષપાતી વલણને લઇને સવાલો ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના કલાકારોના સન્માનને લઇને સરકારે ઘેરી છે. ગેનીબેન ઠાકોરે આ મુદ્દે જણાવ્યુ કે, હુ ઠાકોર સમાજની સાથે છું, કલાકારોના મુદ્દે ઠાકોર સમાજ સાથે પક્ષપાત કરવામાં આવ્યો છે. ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ છે. કલાકારો જે પણ નિર્ણય કરશે તેમાં હું તેમની સાથે જ છું. ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા લોકકલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિક્રમ ઠાકર અને નવગણજી ઠાકોર નારાજ -
વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેમને જાણ થઈ કે વિધાનસભામાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારને બોલાવવામાં આવ્યા નથી, ત્યારે તેમને દુઃખ થયું હતું. એક મિત્રએ પણ તેમને ફોન કરીને આ બાબતે ધ્યાન દોર્યું હતું, જેનાથી તેમની નારાજગી વધુ વધી હતી. નવઘણજી ઠાકોરે પણ આ બાબતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને અવગણવામાં આવ્યા, જે યોગ્ય નથી.
વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે, જે કલાકારોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવ્યા તેઓ બધા જ સન્માનને યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને યોગ્ય છે અને તેમની અવગણના થવી જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે, કલાકારોના જૂથ બની ગયા છે અને તેના કારણે ઠાકોર કલાકારોની અવગણના થઈ રહી છે. વિક્રમ ઠાકોરે સરકારને વિનંતી કરી હતી કે, જ્યારે પણ કલાકારો માટે કાર્યક્રમ યોજાય ત્યારે ઠાકોર સમાજના કલાકારોને પણ બોલાવવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, ઠાકોર સમાજ ખૂબ મોટો છે અને દરેક પક્ષને સમર્થન કરે છે, તેથી સમાજના કલાકારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા લોકકલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વિક્રમ ઠાકોરની આ નારાજગી અને વેદના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને ઠાકોર સમાજના લોકોમાં આ બાબતે દુઃખ અને નારાજગી જોવા મળી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
