Gujarat: 74માં વન મહોત્સવનો પ્રારંભ, મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તાર પંચમહાલથી કરાવ્યો પ્રારંભ
આ વર્ષનાં વન મહોત્સવમાં ૧૦.૪૦ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે.
Gujarat: ગુજરાતમાં સરકાર તરફથી એક મોટી અને સારી પહેલ કરવામાં આવી છે, રાજ્યમાં આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા અને પર્યાવરણ સાથે સંતુલન દ્વારા ગ્રીન ગ્રૉથ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ આહવાન કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ સાથે સમન્વય સાધીને વિકાસનો માર્ગ દર્શાવ્યો છે, તે અંતર્ગત આજે મુખ્યમંત્રી પટેલે 74માં વન મહોત્સવનો આદિજાતિ વિસ્તાર પંચમહાલનાં જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવ્યો છે.
ખાસ વાત છે કે, આ વર્ષનાં વન મહોત્સવમાં ૧૦.૪૦ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. ૧.૧ હેક્ટરમાં ૧૦૦થી વધુ વિવિધ પ્રજાતિઓનાં ૧૧,૦૦૦ રોપાઓ સાથેના રાજ્યનાં બીજા “વન કવચ” નું પણ લોકાર્પણ કરવામાં આવશે. દેવભુમિ-દ્વારિકામાં હરસિદ્ધી માતા ધામમાં નિર્માણ થનારા ૨૩માં સાંસ્કૃતિક વન હરસિદ્ધ વનનુ ઈ-ખાતમૂહુર્ત, વન વિભાગનાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ એન્ડ કેર સેન્ટર્સનાં ઈ-લોકાર્પણ, સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને લાભ સહાયનાં ચેક વિતરણ કરાશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 74માં વન મહોત્સવનો પંચમહાલનાં જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતાં રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેટ વન કવચ લોકાર્પણથી આપ્યુ છે. રાજ્યની આબોહવા અને માટીની ફળદ્રુપતા ધ્યાને લઈ વૃક્ષોનાં વાવેતર દ્વારા આવા વન કવચ વિકસાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેરણા આપેલી છે. આ સંદર્ભમાં રાજ્યનાં વન વિભાગે તૈયાર કરેલા બીજા વન કવચનું 74માં વન મહોત્સવ પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વન કવચ ૧.૧ હેક્ટર વિસ્તારમાં ૧૧,૦૦૦ રોપાઓનાં ઊછેર સાથે નિર્માણ પામ્યું છે.
એટલું જ નહીં, આ વન કવચની વિશેષતા છે કે, વિવિધ છોડની ૧૦૦ જેટલી પ્રજાતિઓ અહીં વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવી છે, આની સાથે બીજી ૧૦૦ જેટલી પ્રજાતિઓ કુદરતી રીતે આપોઆપ ઉગી નીકળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વન કવચનાં લોકાર્પણ સાથે દેવભુમિ-દ્વારિકા જિલ્લામાં હરસિદ્ધમાતા તીર્થ ક્ષેત્ર ખાતે નિર્માણ થનારા રાજ્યનાં ૨૩માં સાંસ્કૃતિક વન હરસિદ્ધ વનનું ઈ-ખાતમૂહુર્ત પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ આવનારી પેઢીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા તેમજ શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે પર્યાવરણ સાથે સંતુલન જાળવીને ગ્રીન ગ્રોથથી વિકાસનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે, પર્યાવરણ સાથે સમન્વય સાધીને વિકાસનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો છે. મિશન લાઈફ અન્વયે આપણા રોજબરોજનાં જીવનમાં પર્યાવરણ જાળવણી, જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા પ્રાકૃતિક ખેતીનો નવતર વિચાર જેવા અભિગમોથી વડાપ્રધાનશ્રીએ સ્વાસ્થ્યપ્રદ જીવનનો માર્ગ બતાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આખી દુનિયા આજે ગ્લૉબલ વૉર્મિંગનાં સંકટ સામે ઝઝૂમી રહી છે, ત્યારે આપણાં વિઝનરી નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમસ્યાનાં સમાધાન માટે પહેલેથી જ આયોજન કરીને ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગની રચના કરી ગ્લૉબલ વૉર્મિંગના સંકટ સામે તારણોપાય શોધ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારે પણ ‘વન કવચ’ દ્વારા ગ્રીન કવર વધારવાનો અને ખુલ્લી જમીનમાં વૃક્ષ વાવેતરનો સફળ સેવાયજ્ઞ ઉપાડ્યો છે. આના પરિણામે મોટાપાયે વૃક્ષોનો ઊછેર થતાં માત્ર માનવ સૃષ્ટી જ નહિં પરંતુ પશુ પક્ષીઓને પણ શુદ્ધ વાતાવરણ મળી રહેશે. આ વર્ષે વન-મહોત્સવ અન્વયે ૧૦.૪૦ કરોડ રોપાઓનાં વિતરણની તેમજ રાજ્યનાં બધાં જ જિલ્લાઓમાં ૧૦૦ હેક્ટર વિસ્તારમાં ૮૫ સ્થળોએ વન કવચ વિકસાવવાની કામગીરીની ભૂમિકા તેમણે આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં અમૃતકાળમાં જે પાંચ સંકલ્પો આપ્યાં છે તેમાનો એક સંકલ્પ વિકસિત ભારતનાં નિર્માણનો છે. વિકસિત ભારતનું નિર્માણ આવનારી પેઢીને શુદ્ધ હવા-પાણી અને પ્રદૂષણ મુક્ત જીવન આપીને જ થઈ શકે.
મુખ્યમંત્રીએ પર્યાવરણ પ્રિય ગ્રીન-ક્લીન ગુજરાત, વિકસીત ગુજરાતથી વિકસીત ભારત માટે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરને સઘન બનાવવા જનશક્તિ અને સમાજશક્તિને આ તકે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનમંત્રી મૂળુ બેરા, રાજ્યમંત્રી મુકેશ પટેલ, પંચમહાલ જિલ્લા પ્રભારી અને શિક્ષણ તથા આદિજાતી વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોર તેમજ જિલ્લાનાં ધારાસભ્યો, સાંસદ સભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ક્રોકોડાઈલ રેસ્ક્યૂ સેન્ટર પાવાગઢ, કાકજ એનિમલ કેર સેન્ટર પાલીતાણા, વરુ સૉફ્ટ રીલીઝ સેન્ટર નડાબેટનાં ઈ-લોકાર્પણ તેમજ દિપડા વસ્તી ગણતરી પુસ્તિકા વિમોચન અને સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને સહાય લાભ ચેક વિતરણ કર્યા હતા.
વન અને પર્યાવરણનાં અગ્ર સચિવ સંજીવ કુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફૉરેસ્ટ ફોર્સ ચતુર્વેદી સહિત વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રનાં અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો આ 74માં વન મહોત્સવનાં પ્રારંભ અવસરમાં જોડાયા હતા.