Gujarat Election 2022: વડોદરા ગ્રામ્યના 3 નારાજ MLAને મનાવવાના પ્રયાસ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. તમામ પાર્ટીઓમાં ટિકિટ બાદ ખેંચતાણ ચાલી રહી છે. નર્મદાનું રાજપીપળા જ્યાં ડેમેજ કંટ્રોલ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે.
વડોદાર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. તમામ પાર્ટીઓમાં ટિકિટ બાદ ખેંચતાણ ચાલી રહી છે. નર્મદાનું રાજપીપળા જ્યાં ડેમેજ કંટ્રોલ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે. વડોદરાના કરજણ બાદ નાંદોદ વિધાનસભામાં ડેમેજ કન્ટ્રોલ કરવા પહોંચ્યા છે. આદિજાતિ મોર્ચા ગુજરાત પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવાએ અપક્ષમાં ઉમેદવારી કરતા ડેમેજ કન્ટ્રોલ શરુ કરવામાં આવ્યું છે. પ્રથમ તેઓ ભાજપ કાર્યાલય પહોંચશે અને ત્યારબાદ ડેમેજ કન્ટ્રોલ માટે હર્ષદ વસાવાના ઘરે જશે. કૉંગ્રેસ ધારાસભ્ય પી.ડી. વસાવાના જમાઈ અને કૉંગ્રેસના 100 કાર્યકર ભાજપમાં જોડાશે. હાલ પી.ડી.વસાવાના જમાઈ રવિ વસાવા પણ ભાજપની મીટિંગમાં હાજર છે.
કેસરીસિંહ સોલંકીની ઘર વાપસી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ નેતાઓના પક્ષપલટાની મોસમ પણ જામી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. બે દિવસ પહેલા ટિકિટ ન મળવાના કારણે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભાજપના નેતા કેસરીસિંહ સોલંકીની ઘર વાપસી થઈ છે.
માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની નારાજગી દૂર થઈ છે. કેસરીસિંહ સોલંકીને ટીકીટ ન મળવા ના કારણે બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમના ફેસબુક એકાઉન્ટ માં ફોટો મૂકી તેઓ ભાજપ સાથે જ છે તેવા સંકેતો આપ્યા છે.
સૌરાષ્ટ્ર ભાજપના કયા ધારાસભ્યએ ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામું ?
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે 166 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે 16 ઉમેદવારોની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, અનેક જગ્યાએ ટિકિટવાંછુ અને તેમના સમર્થકો નારાજ છે. આ દરમિયાન આજે કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. પક્ષમાં થતી અવગણનાને લઈ તેમણે રાજીનામું આપ્યું છે. કેશોદ બેઠક માટે તેઓ પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પસંદગી ન થતાં આ પગલું ભર્યું છે. હવે તેઓ અપક્ષ ચૂંટણી લડશે.
તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, હું 1983થી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામ કરું છું. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. મેં પાર્ટીને મારી મા ગણીને કામ કર્યુ છે, આમાં ક્યાંય પણ મારી ત્રુટી રહી હોય તો હું પાર્ટીની માફી માંગું છું. હાલના સંજોગમોમાં ખૂબ જ દુખ સાથે હું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્યપદેથી તેમજ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યપદેથી મને મુક્ત કરવા મારી વિનંતી કરું છું.