Gujarat Election 2022: ભાજપમાં જોડાતાં જ મોહનસિંહ રાઠવાએ કરી મનની વાત, કહ્યું - "ભાજપ 100 ટકા...."
આજે કોંગ્રેસના દિગ્ગજ સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપની ભગવી ટોપી અને ખેસ ધારણ કરી લીધો છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાં રાજકીય કાવાદાવા શરુ થઈ ગયા છે. આજે કોંગ્રેસના દિગ્ગજ સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપની ભગવી ટોપી અને ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના મીડિયા સેન્ટર ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમ અને પત્રકાર પરિષદમાં ભાજપમાં જોડાતાં જ મોહનસિંહ રાઠવાએ પોતાના મનની વાત કરી છે.
સમય સમય બળવાન હૈ...
ભાજપમાં શા માટે જોડાયા તેનું કારણ જણાવતાં સમય સમય બળવાન હૈની પંક્તિના ઉચ્ચારણ સાથે મોહનસિંહે કહ્યું કે, "ભાજપ પક્ષમાં મારા જીવનનું સદ્ભાગ્ય સમજું છું." આ સાથે મોહનસિંહે દિલીપ સંઘાણીનો આભાર માન્યો હતો. પછી કહ્યું કે, "વર્ષોથી મારી લાગણી હતી ભાજપમાં જોડાવાની એટલે ભાજપમાં જોડાયો છું. મારે કોઈ પક્ષ સાથે અણબનાવ નથી કે કોઈનો વિરોધ નથી."
મારા પુત્રને ભાજપ 100 ટકા ટિકિટ આપશેઃ મોહનસિંહ
વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મળવાના પ્રશ્ન પર મોહનસિંહ રાઠવાએ કહ્યું કે, "મને કોંગ્રેસે ના પાડી નથી કે તમને ટિકિટ આપવાની નથી. પણ તે પહેલાં જ મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. મારી ઉંમર થઈ છે એટલે મારા દિકરા રાજેન્દ્રસિંહ રાઠવાની લાગણી છે કે, આપણે ભાજપમાં જોડાઈએ. ભાજપ વાળા તો 100 ટકા અમને ટિકિટ આપવાના જ છે. મારે ટિકિટ નથી જોઈતી." આમ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તે પહેલાં જ મોહનસિંહે ટિકિટનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મોહનસિંહ પોતાના પુત્રને છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવા માંગે છે. છોટાઉદેપુરથી મોહનસિંહના સ્થાને નારાયણ રાઠવા પોતાના પુત્રને ચૂંટણી લડાવવા માંગે છે. નારાયણ રાઠવા પોતાના પુત્ર સંગ્રામ રાઠવાને ચૂંટણી લડાવવા માંગે છે.
ભાજપ છોટાઉદેપુર બેઠક પરથી મોહનસિંહના પુત્રને ઉમેદવાર બનાવી શકે છે. મોહનસિંહ ચોથી વિધાનસભા 1972થી ચૂંટાઈ આવે છે. તેઓ કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે અને વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખુબ જ સારું પ્રભુત્વ ધરાવે છે. ઉપરાંત તેઓ ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ગત વખતની વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવાએ છોટાઉદેપુરમાંથી ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 1093 મતથી હરાવ્યા હતા. ભાજપના જશુભાઈ રાઠવાનો 74,048 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાને 75,141 મત મળ્યા હતા.