કમોસમી વરસાદની બેવડી થપાટ: ૧૦ લાખ હેક્ટરમાં નુકસાન, ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદી મોકૂફ, ખેડૂતોની હાલત કફોડી
Gujarat Rain: સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત દયનીય બનાવી દીધી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક પલળી ગયો છે, જેનાથી મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.

Gujarat groundnut crisis: ગુજરાતના ખેડૂતો એક પછી એક સંકટનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે મગફળી, શેરડી, સોયાબીન, તુવેર અને બાગાયતી પાક સહિત લગભગ 10 લાખ હેક્ટર જમીનમાં પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે બેહાલ બન્યા છે. આ કુદરતી આફત વચ્ચે, રાજ્ય સરકારે 1લી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ છેલ્લા તબક્કે હાલ પૂરતી આ ખરીદી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ વલણને કારણે ખેડૂતોની મુશ્કેલી અને ચિંતામાં મોટો વધારો થયો છે. પરિણામે, ખેડૂતો હાલમાં ટેકાના ભાવ (જેના કરતાં આશરે 300 થી 400 રૂપિયા ઓછા ભાવે) ઓછા ભાવે પોતાની જણસ વેચવા મજબૂર છે.
કમોસમી માવઠાની આફત અને ટેકાના ભાવે ખરીદીની અનિશ્ચિતતા
સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત દયનીય બનાવી દીધી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક પલળી ગયો છે, જેનાથી મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. આ મુશ્કેલ સમયમાં, રાજ્યના કૃષિ વિભાગે 1લી નવેમ્બરથી મગફળીની ખરીદીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ રાજ્યભરના 9.32 લાખથી વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. ખેડૂતોએ ખરીદી માટે મગફળીનો જથ્થો તૈયાર કર્યો, વાહનોની વ્યવસ્થા ગોઠવી અને વેચાણ માટેની તૈયારીઓ આરંભી દીધી હતી. જોકે, ખરીદીની તારીખ નજીક આવતા જ વરસાદની પરિસ્થિતિને ટાંકીને કૃષિ વિભાગે હાલ પૂરતું ટેકાના ભાવે મગફળીની ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને છે કે, જો ખરીદી મોકૂફ હોય તો વરસાદ અને ભેજવાળા વાતાવરણ વચ્ચે મગફળીના આ મોટા જથ્થાને સુરક્ષિત રીતે ક્યાં સાચવવો?
ખેડૂતોની મજબૂરી અને આર્થિક તાણ
ખેડૂતોને હાલમાં આગામી વાવેતર માટે તેમજ ઘર-પરિવારના પ્રસંગો અને ખર્ચાઓ કાઢવા માટે તાત્કાલિક રૂપિયાની જરૂરિયાત છે. મોંઘાદાટ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને ખેત મજૂરીના બાકી લેણાં ચૂકવવા માટે તેઓ મજબૂર બની રહ્યા છે. રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ખરીદી શરૂ ન થતાં, ઘણા ખેડૂતો ટેકાના ભાવ કરતાં પણ 300 થી 400 રૂપિયા ઓછા ભાવે બજારમાં મગફળી વેચી દેવા માટે વિવશ બન્યા છે, જેના કારણે તેમને બેવડું નુકસાન વેઠવું પડી રહ્યું છે. સરકાર વહેલી તકે મગફળીની ખરીદી શરૂ કરે તેવી ખેડૂતોની પ્રબળ માગણી છે, જેથી તેઓ આર્થિક ભીંસમાંથી બહાર આવી શકે.
નોડલ એજન્સીઓ પણ અંધારામાં
આશ્ચર્યની વાત તો એ છે કે, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) મગફળી, અડદ, સોયાબીન અને મગની ખરીદી માટે નોડલ એજન્સી છે, તેમ છતાં મગફળીની ખરીદી અંગે કોઈ સત્તાવાર અને ચોક્કસ જાણકારી આપવામાં આવી નથી. ગુજકોમાસોલના અધિકારીઓ પણ ખરીદી ક્યારે શરૂ થશે તે વિશે અજાણ છે. કેન્દ્ર સરકારે લીલીઝંડી આપ્યા બાદ રાજ્ય સરકારે ખરીદીની જાહેરાત કરી હતી, પરંતુ અંતિમ ઘડીએ ખરીદીનો નિર્ણય મોકૂફ રખાતા ખેડૂતોમાં ભારોભાર નિરાશા અને ચિંતા જોવા મળી રહી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલમાં કમોસમી વરસાદના કારણે જ આ નિર્ણય લેવાયો છે અને ખરીદીની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.




















