Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા
Analog Paneer Ban In Gujarat: પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી આ રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત અમદાવાદના 22 એકમો સહિત કુલ 156 સ્થળોએ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી

- એનાલોગ પનીર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં કડક તપાસ શરૂ થઈ.
- શંકાસ્પદ ૫૦ પનીર નમૂના લેવાયા, ૧૦૫૩ કિલો જથ્થો નાશ.
- એનાલોગ પનીર હાનિકારક, ૫૦% થી વધુ નમૂના નિષ્ફળ.
Analog Paneer Ban In Gujarat: રાજ્યમાં એનાલોગ પનીર અને અખાદ્ય ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ લાગતા જ ગુરુવારે ખોરાક અને ઔષધ નિયમન પ્રશાસન તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ સહિત ગુજરાતભરના 156 એકમોમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ પનીરના 50 નમૂના લઈ પરિક્ષણ અર્થે મોકલાયા હતા અને 3.62 લાખ રૂપિયાની કિંમતનો 1053 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો હતો.
પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી આ રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત અમદાવાદના 22 એકમો સહિત કુલ 156 સ્થળોએ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન વિભાગે કૂલ 28 નમૂના લીધા હતા, જ્યારે અમદાવાદ મનપાના ફુડ એન્ડ હેલ્થ વિભાગે પાલડી, નરોડા અને વેજલપુર જેવા વિસ્તારોમાંથી પનીરના 22 નમૂના એકત્ર કર્યા હતા.
છેલ્લા છ મહિનાના આંકડા અનુસાર, અમદાવાદમાં લેવાયેલા 218 નમૂનામાંથી 114 (એટલે કે 50%થી વધુ) નમૂના ગુણવત્તાના ધોરણોમાં નાપાસ થયા હતા, જેમાં 23 નમૂના એનાલોગ પનીરના અને 57 અપ્રમાણિત હતા. એનાલોગ પનીર દેખાવમાં અસલી પનીર જેવું જ લાગે છે, પરંતુ તેમાં દૂધની ચરબીના સ્થાને વનસ્પતિ તેલ અને અન્ય રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આકરી કાર્યવાહીથી અસલીના નામે નકલી અને ભે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓમાં ભારે ફાળ પડી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી નાગરિકોના અરોગ્ય સાથે થતા ચેડાં અટકાવી શકાય અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.






















