રાજ્યના પશુપાલકો માટે સરકારે લાગુ કરી નવી યોજના, આટલું પ્રીમિયમ ચૂકવી મેળવો પશુઓનું વીમા કવચ
ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે ૨૩ કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ સાથે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મુકી છે
પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મુકી છે. હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર ૧૦૦ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુનું વીમા કવચ મેળવી શકશે. યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંધીનગર ખાતે MoU સંપન્ન થયા હતા. યોજનાનો લાભ મેળવવા માંગતા પશુપાલકો માટે આઈ-ખેડૂત પોર્ટલ ૧૪ નવેમ્બરથી એક મહિના સુધી ખુલ્લું મૂકાશે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ૫૦,૦૦૦ જેટલા પશુઓને આવરી લેવાનું આયોજન છે.
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે ૨૩ કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ સાથે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મુકી છે. પશુમૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવુ પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે.
ઉલ્લેખનીય છે કે, પશુપાલકોને પશુ વીમા લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન હેઠળ પણ પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસીડી ચૂકવવામાં આવે છે. ભારત સરકારની સબસીડી બાદ થતા પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મુકી છે.
ભારત સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન (NLM) અને રાજ્ય સરકારની પશુધન વીમા સહાય યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ. વચ્ચે MoU કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પશુપાલન મંત્રીએ કહ્યું હતું કે, પશુધન વીમા યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે તે માટે ૧૪ નવેમ્બરથી આગામી એક મહિના સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. અરજી કરી હોય તેવા પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થી ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે આ સહાય આપવામાં આવશે.
તેઓએ કહ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર ૧૦૦ રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકશે. જ્યારે, બાકીની શેષ પ્રીમિયમની રકમ સબસીડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે ૫૦,૦૦૦ જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે.
ભવિષ્યમાં ક્લેઇમ રજૂ કરતા સમયે પશુપાલકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવ્યાની પહોંચ અથવા પોલિસીની નકલ અચૂક મેળવી લેવી તેવી પશુપાલન મંત્રીએ વાત કરી હતી.