HMPV વાયરસને લઇને ગુજરાતમાં મોટી તૈયારીઓ, આ બે શહેરોમાં ખાસ પ્રકાર વૉર્ડ-બેડ તૈયાર કરાયા
HMPV Alert: રાજ્યમાં આ કેસો વધે નહીં તેની તકેદારીના ભાગરૂપે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ શરૂ કરાઇ છે
HMPV Alert: દેશભરમાં ફરી એકવાર મોટી ચિંતા સતાવી રહી છે. હાલમાં જ ચીનમાંથી ફરી એકવાર મોટો વાયરલ દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે, જેનુ નામ HMPV છે, ગુજરાતમાં પણ HMPVનો એક કેસ નોંધાતા હવે સરકાર અને આરોગ્ય વિભાગ સતર્ક બની છે અને ખાસ પ્રકારની તૈયારીઓમાં લાગી છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં HMPV વાયરસને ફેલાતો અટકાવવા અને સારવાર માટે અમદાવદા અને ભાવનગરમાં બેડ અને વૉર્ડની તૈયારીઓ કરાઇ છે.
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ચાંદખેડા વિસ્તારમાં બે માસની બાળકીમાં HMPVના લક્ષણો દેખાતા તંત્ર એલર્ટ મૉડમાં આવી ગયુ છે, હાલમાં રાજ્યમાં આ કેસો વધે નહીં તેની તકેદારીના ભાગરૂપે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ શરૂ કરાઇ છે. તાજા અપડેટ પ્રમાણે, HMPV વાયરસને લઈને ગુજરાતમાં આરોગ્ય વિભાગ સતર્ક છે, અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં HMPV દર્દીઓ માટે સ્પેશ્યલ વૉર્ડ તૈયાર કરાયા છે. આ ઉપરાંત ભાવનગરમાં પણ HMPVના દર્દીઓ માટે 40 બેડનો વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. HMPVને લઇને આજે રાજ્યના આરોગ્ય વિભાગની એક મહત્વની બેઠક બોલાવવામાં પણ આવી છે. ખુદ આરોગ્ય વિભાગની આ તમામ તૈયારીઓ પર નજર રાખી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં અત્યારે HMPVના કુલ 7 કેસો નોંધાયા છે. જેમાં બે કર્ણાટક, બે તામિલનાડુ, બે મહારાષ્ટ્ર અને એક ગુજરાતમાં ના દર્દીઓ સામે આવ્યા છે.
હાલ માસ્ક પહેરવું જ પડે તેમ લાગતું નથી
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર સમગ્ર મામલે ચિંતિત છે. જેમની રોગ પ્રતિ શક્તિ ઓછી છે તેમના માટે ચિંતાજનક છે. કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડ લાઈન જાહેર કરાશે. શાળાઓ અને ઉત્તરાયણ મામલે તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. કોવિડ હોય કે કોઈ પણ મહામારી રાજ્ય સરકાર તૈયાર છે તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. હાલ માસ્ક પહેરવું જ પડે તેમ લાગતું નથી તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
HMPV વાયરસના લક્ષણો
કોરોના જેવા લક્ષણો દેખાય
વધુ તાવ અને ઉધરસ આવવી
શ્વાસ લેવામાં તકલીફ પડવી
ફેફસામાં ચેપ લાગવો
નાક બંધ થઇ જવું
ગળામાં ઘરઘરાટી આવવી
સંપર્ક દ્વારા ફેલાય છે
HMPV વાયરસ શું છે ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, HMPV વાયરસ છેલ્લા ઘણા દાયકાઓથી હાજર છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, 2001માં નેધરલેન્ડ્સમાં તેની પ્રથમ ઓળખ થઈ હતી. શ્વસન રોગોવાળા બાળકોના નમૂનાઓમાં વાયરસની પુષ્ટિ થઈ હતી. HMPV એ પેરામિક્સૉવિરિડે પરિવારનો વાયરસ છે. આ વાયરસ દરેક ઋતુમાં હવામાં હોય છે. તે ચેપગ્રસ્ત લોકોની ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે. શિયાળામાં તેના વધુ ફેલાવાનો ભય રહે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે એચએમપીવી વાયરસ 1958 થી વ્યાપકપણે ફેલાયો હતો.
આ પણ વાંચો
દુનિયાભરમાં HMPV વાયરસથી મચ્યો હાહાકાર, જાણો COVID-19 થી કેટલો છે અલગ ?