'...અનેક ગુનેગારોની શાન ઠેકાણે લાવ્યા છીએ, ગેરકાયદે દબાણ કરશો તો' - બૂલડૉઝર એક્શન પર હર્ષ સંઘવીનું મોટુ નિવેદન
Rajkot Demolition Drive: સંઘવીએ જણાવ્યું કે, હવે ગુજરાતમાં લોકોને ડરાવીને-ધમકાવીને મિલકતો પડાવી લેનારાની ખેર નથી

Rajkot Demolition Drive: રાજકોટમાં આજે સવારથી શરૂ થયેલી બૂલડૉઝર કાર્યવાહીમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, પોલીસ સ્ટાફ અને વહીવટી તંત્રને સાથે રાખી કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કરોડોની જમીનને ખુલ્લી કરવામાં આવી છે. શહેરમાં રિંગ રૉડ પર આવેલા 38 ગુનેગારોના ગેરકાયદે મકાનો- દુકાનો પર દાદાનું બૂલડૉઝર ફરી વળ્યુ અને તમામને જમીનદોસ્ત કરાયા હતા. હવે સમગ્ર મામલે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટી પ્રતિક્રિયા આપી છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં બૂલડૉઝર કાર્યવાહી પર ગુનેગારને સ્પષ્ટ ચેતવણી આપી છે, સંઘવીએ જણાવ્યું કે, હવે ગુજરાતમાં લોકોને ડરાવીને-ધમકાવીને મિલકતો પડાવી લેનારાની ખેર નથી. આજે રાજકોટમાં 38 ગુનેગારોના મકાનો- દુકાનો પર બૂલડૉઝર એક્શન કરવામાં આવી છે. ગુનેગારોની ગેરકાયદે મિલકતો પર બૂલડૉઝર ફેરવી દેનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે, ત્રણ મહિનામાં અનેક ગુનેગારોની સરકારે શાન ઠેકાણે લાવી છે. રાજકોટમાં આજે 38 ગુનેગારોની ગેરકાયદે મિલકતો તોડી પડાઇ છે. રાજકોટના પોશ વિસ્તારની કરોડો રૂપિયાની જમીન ખૂલ્લી કરાવાઇ છે.
પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ડિમોલિશનની કાર્યવાહીમાં કુલ 2610 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આ જમીનની અંદાજિત કિંમત 6 કરોડ 52 લાખ 50 હજાર રૂપિયા જેટલી આંકવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપીઓએ ગુનાની પ્રવૃત્તિઓ દ્વારા કમાયેલા નાણાંથી આ ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા. આવા ગુનેગારોને કાયદાનો ડર રહે અને સમાજમાં એક દાખલો બેસે તે માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીને લોકોએ આવકારી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવા બદલ પોલીસની પ્રશંસા કરી છે.




















