ટ્રેનની અડફેટે થતા સિંહના મોતને લઈ હાઈકોર્ટ લાલધૂમ, SOP અને કમિટીની કરાઈ રચના
ગીરમાં ટ્રેનની અડફેટે સિંહનાં સતત મોતને લઈ અને હાઇકોર્ટની ફટકાર બાદ SOP નક્કી કરવામાં આવી છે. 2015 બાદ રાજ્યમાં એશિયાટિક સિંહ સતત વધી રહ્યા છે.
![ટ્રેનની અડફેટે થતા સિંહના મોતને લઈ હાઈકોર્ટ લાલધૂમ, SOP અને કમિટીની કરાઈ રચના Gujarat High Court on death of lion due to hit by a train in Gir ટ્રેનની અડફેટે થતા સિંહના મોતને લઈ હાઈકોર્ટ લાલધૂમ, SOP અને કમિટીની કરાઈ રચના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/e59d518346a18a66fb62d79a2190ad411718959300363742_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ગીરમાં ટ્રેનની અડફેટે સિંહનાં સતત મોતને લઈ અને હાઇકોર્ટની ફટકાર બાદ SOP નક્કી કરવામાં આવી છે. 2015 બાદ રાજ્યમાં એશિયાટિક સિંહ સતત વધી રહ્યા છે. વર્ષ 2015માં સિંહની વસ્તી 523 હતી જ્યારે વર્ષ 2020 માં 674 થઈ હતી. 5 વર્ષમાં સિંહની સંખ્યામાં 29% વધારો જ્યારે 2024માં એટલે કે હાલમાં સિંહની સંખ્યા હજુ પણ વધી હોવાનો રાજ્ય સરકારનો હાઇકોર્ટમાં ખુલાસો થયો છે. જ્યારે રેલવે ટ્રેક પર સિંહોના મોત રોકવા ચોક્કસ આયોજન સાથે કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે.
રેન્જ લેવલ કમિટી, ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટી, સર્કલ લેવલ રીવ્યુ કમિટીની રચના કરવામાં આવી છે. રેન્જ લેવલ કમિટીની બેઠક દર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળશે. ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટીની બેઠક હોટસ્પોટ સહિતના વિસ્તારો અને તેના નિર્ણય માટે મળશે. સર્કલ લેવલ રીવ્યુ કમિટીની બેઠક દર ત્રણ મહિને મળશે જેમાં તમામ બાબતે ચર્ચા થશે.
જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ નક્કી કરવામાં આવી છે. રાજુલા, પીપાવાવ, કેસીયા નેસ, સાસણ ગીર, જૂનાગઢ, બીલખા ટ્રેનની ઝડપ હંમેશા માટે ઘટાડી દેવામાં આવી છે. કાયમી સિવાય કેટલાક હોટસ્પોટ વિસ્તાર પણ નક્કી કરવામાં આવ્યા છે.
દામનગર - લીલીયા મોટા, લીલીયા મોટા - સાવરકુંડલા, સાવરકુંડલા - ગઢડકા, ગઢકડા - વિજપડી, વીજપડી - રાજુલા જંક્શન, રાજુલા - મહુવા સહિતની ટ્રેનોને પણ મહત્તમ 40 કિમીની મંજૂરી આપવામાં આવી છે. તમામ ટ્રેનોના લોકો પાયલટને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. જો લોકો પાયલટને સિંહ હલચલની જાણ થાય તો તેની જાણ સીધી સ્ટેશન માસ્ટર અને ત્યાંથી વન વિભાગને કરવાની રહેશે.
સમગ્ર જંગલ વિસ્તારમાં 49 સાઈન બોર્ડ મુકવામાં આવ્યા
ડીવીઝનલ લેવલ રીવ્યુ કમિટીએ તમામ સ્ટાફની ટ્રેનિંગ પર ધ્યાન આપશે. સમગ્ર જંગલ વિસ્તારમાં 49 સાઈન બોર્ડ મુકવામાં આવ્યા છે, 2 મહિનામાં સર્વે કરવામાં આવ્યો છે. 23 વોચ ટાવર મૂકવામાં આવ્યા જેનાથી દૂરથી જ સિંહોની હલચલ પર ધ્યાન આપી શકાય. વિશેષ રેલ સેવકની નિમણુક કરવામાં આવશે જેમાં 71 લોકોને તૈયાર કરવામાં આવશે. લાઈટ સાઈનથી લઈને અનેક માહિતીઓ સેવક દ્વારા ટ્રેનને પૂરી પાડવામાં આવશે. આ તમામ બાદ રાજ્ય સરકારના વન વિભાગ અને પશ્ચિમ રેલ વિભાગની બેઠક દર 6 મહિને મળશે.
હાઈકોર્ટે જણાવ્યું કે, જો હવે પણ કોઈ સિંહનાં મોત થયા તો કડક પગલા લેવામાં આવશે. એક બીજા પર ખો નાખતા વન વિભાગ અને રેલ વિભાગની સંયુક્ત જવાબદારી નક્કી કરવામાં આવી છે.
હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી
ગીર અભયારણ્ય એશિયાટિક સિંહોનું એકમાત્ર રહેણાંક છે. તેને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. તેમ છતા અહીં સિંહના મોત થઇ રહ્યા છે, જેને લઇને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં સુનાવણી થઇ હતી, જેમા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું જો કોઈપણ સિંહના મોત થશે તો હવે કડક પગલા લેવાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)