Gujarat Monsoon Round Up: ભારે વરસાદથી વાપી અંડરપાસમાં ભરાયું પાણી, અમરેલી જિલ્લામાં સતત 11મા દિવસે મેઘમહેર
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી મૂશળધાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી મૂશળધાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. બીજા બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ભારે વરસાદના કારણે વાપી રેલવે અંડરપાસમાં પાણી ભરાયું છે.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકાઓ માં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. વાપી વલસાડ અને ઉમરગામ માં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે વાપીના રેલવે અંડરપાસમાં પાણી ભરાયું છે. જેનાથી વાહનચાલકો અને રાહદારીઓ ને મુશ્કેલી પડી રહી છે. વાવણી લાયક વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. વલસાડના અનેક વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણી ભરાયાં છે. વલસાડના વોર્ડ નંબર 5 અને 2 માં અનેક વિસ્તારોમાં વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જેના કારણે લોકો રોષે ભરાયા છે.
અમરેલી જિલ્લામાં સતત 11મા દિવસે મેઘમહેર થઈ છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના વાવડ છે. સાવરકુંડલા પંથકના છાપરી, લીખાળા, ડેડકડી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે ધરતીપુત્રમાં ખુશી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
છોટાઉદેપુર માં અસહ્ય ગરમી બાદ બોડેલી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બોડેલી સહિત આસપાસના ગામોમા છૂટો છવાયો વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ છે.
વડોદરાના ડભોઇ પંથકમાં મેઘ મેહેર જોવા મળી છે. વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેનાથી પંથકમા ઠંડક પ્રસરી જવા પામી છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છે.
છોટાઉદેપુરમાં અસહ્ય ગરમી બાદ બોડેલી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બોડેલી સહિત આસપાસના ગામોમા છૂટો છવાયો વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતાં લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લા ના કામરેજ તાલુકામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. નવસારી જિલ્લાના નવસારી તથા જલાલપોર તાલુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. અન્ય 11 તાલુકાઓમાં 1 થી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.