(Source: ECI/ABP News/ABP Majha)
Amreli: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ
હવામાન વિભાગે ચોસાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઇને મહત્વની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોસાસાની વિધિવત એન્ટ્રી થઇ જશે.
Amreli: આજે સવારથી રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનુ આગમન થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાથસણી, નાના ભમોદ્રા, અમૃતવેલ, ભુવા, ધાર, મોલડી, મોટા ઝિંઝુડા, ઠવી, વીરડી, નાળ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે.
આગામી ત્રણ કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આજે સવારથી રાજ્યમાં પંચમહાલ, ખેડા, વડોદરામાં વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ કલાક પણ વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. જે મુજબ મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ખેડા, આણંદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે.ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબીમાં પણ વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.
રાજ્યમાં 48 કલાકમાં ચોમાસાની વિધિવત થશે એન્ટ્રી
હવામાન વિભાગે ચોસાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઇને મહત્વની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોસાસાની વિધિવત એન્ટ્રી થઇ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસુ દસ્તક દેશે અને આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન પહેલા જ કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથી પંચમહાલ, ખેડા, વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં લોકોને બફારાથી રાહત મળી છે. ધોધમાર વરસાદથી ગોધરાના કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે. નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ગોધરા APMCમાં શાકભાજીના થેલા વરસાદી પાણીમાં વહેતા થયા.
નડિયાદમાં માત્ર એક કલાકના વરસાદમાં નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. નડિયાદના રબારીવાડ વિસ્તાર, વૈશાલી ગરનાળા, માઈ મંદિર ગરનાળા, ખોડીયાર ગરનાળામાં પાણી ભરાયા છે. નડિયાદના ચારેય ગરનાળામાં પાણી ભરાવાના કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમમાં રહેતા લોકો અને વાહનો લઈને જતા નાગરિકોને મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો. નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણીથી શ્રેયસ ગરનાળામાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ અટવાઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઇવરે ગરનાળામાંથી બસ પસાર કરવાનું સાહસ કર્યુ હતું. જોકે પાણીની વચ્ચે બસ અટવાતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જે બાદ સ્થાનિક નાગરિકોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું.
Join Our Official Telegram Channel: