Gujarat Rain Live Updates: મૂશળધાર વરસાદથી પોરબંદર જિલ્લો જળબંબાકાર, ફાયર વિભાગે દિવ્યાંગ દંપત્તિનું કર્યું રેસ્ક્યુ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ અને કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો

Background
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર થઇ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ અને કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો કેશોદ અને વંથલીમાં છેલ્લા બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં 14 ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 10 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સાડા નવ ઈંચ, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના કેશોદમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા છ ઈંચ, જૂનાગઢના માણાવદરમાં સાડા છ ઈંચ, પોરબંદરના કુતિયાણામાં પોણા છ ઈંચ, જામનગરના જામજોધપુરમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.
ઉપરાંત જૂનાગઢના વિસાવદરમાં પોણા પાંચ ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પોણા પાંચ ઈંચ, રાજકોટના ઉપલેટામાં પોણા પાંચ ઈંચ, જૂનાગઢના માળીયાહાટીનામાં સાડા ચાર ઈંચ, રાજકોટના ધોરાજીમાં સવા ચાર ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં ચાર ઈંચ, જામનગરના કાલાવડમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.
તે સિવાય છેલ્લા 24 કલાકમા જૂનાગઢ શહેર, તાલુકામાં સાડા ત્રણ ઈંચ, અમરેલીના ખાંભામાં સવા ત્રણ ઈંચ, ગીર ગઢડામાં ત્રણ ઈંચ, અમરેલીના કુકાવાવમાં ત્રણ ઈંચ, ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચ, જૂનાગઢના મેંદરડામાં ત્રણ ઈંચ, દ્વારકાના ભાણવડમાં અઢી ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, ભાવનગરના શિહોરમાં અઢી ઈંચ, અમરેલીના બગસરામાં સવા બે ઈંચ, ગીર સોમનાથના ઉનામાં સવા બે ઈંચ, જામનગરના ધ્રોલમાં સવા બે ઈંચ, દ્વારકાના ખંભાળીયામાં બે ઈંચ, વલસાડના ઉમરગામમાં બે ઈંચ, દ્વારકા તાલુકામાં પોણા બે ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં પોણા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં દોઢ ઈંચ, મોરબી તાલુકામાં દોઢ ઈંચ, રાજકોટના જેતપુરમાં દોઢ ઈંચ, મોરબીના ટંકારામાં દોઢ ઈંચ, કચ્છના ભૂજમાં દોઢ ઈંચ, નવસારી, જામકંડોરણા, ગણદેવી, જાફરાબાદમાં સવા ઈંચ ધારી, ગોંડલ, સાવરકુંડલા, એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
દ્વારકાના કલ્યાણપુર પંથકમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ
દ્વારકાના કલ્યાણપુર પંથકમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રીના બેથી ચાર વાગ્યા દરમિયાન છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 10 ઈંચ વરસાદના પગલે કલ્યાણપુર, હરીપર, ભાટિયા, ટંકારિયા અને કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તાર પાણી-પાણી થયા છે. ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં જળભરાવની સ્થિતિ ઉભી થઈ છે.
દ્વારકાના લાંબા ગામે પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે કલ્યાણપુરનો વાડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. વાડી અને ખેતરોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જામખંભાળિયા પંથકમાં પણ વરસેલા મુશળધાર વરસાદથી મોવાણ ગામની કુંતી નદીમાં ઘોડાપૂર આવતા સુરાપુરા દાદાના મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. કુંતી નદીમાં પૂરના કારણે દ્વારકા- લીંબડી સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. વલસાડમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. વલસાડની એલઆઈસી ઓફિસ, વલસાડ કલેક્ટર ઓફિસ બહાર પાણી ભરાયા હતા. મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાઇ ગયા હતા.





















