RTO કચેરી જશો તો ધરમધક્કો થશે, રાજ્યભરમાં ઇન્સ્પેક્ટરોની હડતાળથી અરજદારો અટવાયા!
સિસ્ટમ લોગ ઇન બંધ, 800થી વધુ કર્મચારીઓ કામથી અળગા, પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો.

Gujarat RTO Office Strike: ગુજરાત રાજ્યમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) ની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. રાજ્યભરના તમામ આરટીઓ ઇન્સ્પેક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં કચેરીઓમાં કામકાજ બંધ થઈ ગયું છે. સિસ્ટમમાં લોગ ઇન ન કરાતા વાહન ચાલકો અને વાહન માલિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓ દ્વારા તેમની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને હાથમાં બેનરો સાથે આરટીઓ કર્મીઓએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે.
આરટીઓ ઇન્સ્પેક્ટરો છેલ્લા ઘણા સમયથી વિવિધ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ તેમનો કોઈ ઉકેલ ન આવતા આખરે હડતાળનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે. ઇન્સ્પેક્ટરોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:
વિજિલન્સ કમિશનર દ્વારા ખાતાકીય તપાસ બંધ કરવી: છેલ્લા પાંચ વર્ષથી વિજિલન્સ કમિશનર દ્વારા અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ ચલાવવામાં આવી રહી છે, જેના કારણે અનેક અધિકારીઓને ચાર્જશીટ પણ આપવામાં આવી છે. ઇન્સ્પેક્ટરોનું કહેવું છે કે કેટલાક ટ્રાન્સપોર્ટરો દ્વારા બદલાની ભાવનાથી નનામી અને બેનામી અરજીઓ કરવામાં આવે છે, જેના આધારે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવે છે, જે યોગ્ય નથી. હાલમાં 50% થી વધુ અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલી રહી છે.
પ્રમોશનની કાર્યવાહી ફરી શરૂ કરવી: ખાતાકીય તપાસના કારણે અધિકારીઓની પ્રમોશનની કાર્યવાહી છેલ્લા ઘણા સમયથી અટકી પડી છે. ગત વર્ષે તો માત્ર નોટિસના આધારે અધિકારીઓના પ્રમોશન અટકાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે કર્મચારીઓમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
ટર્મિનેટ થયેલા કર્મચારીઓને નોકરી પર પરત લેવા: અગાઉ ટર્મિનેટ કરાયેલા કેટલાક કર્મચારીઓ ગુજરાત હાઇકોર્ટમાં કેસ જીતી ગયા હોવા છતાં તેમને હજુ સુધી નોકરી પર પરત લેવામાં આવ્યા નથી, જેનો પણ ઇન્સ્પેક્ટરો વિરોધ કરી રહ્યા છે.
આ માંગણીઓના સમર્થનમાં રાજ્યની 39 કચેરીઓમાં 800 જેટલા અધિકારીઓ કામથી અળગા રહ્યા છે અને આજે એક દિવસ માટે સિસ્ટમમાં લોગ ઇન કર્યું નથી. જેના કારણે રાજ્યભરની આરટીઓ કચેરીઓમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને અરજદારો અટવાયા છે.
હડતાળ પર ઉતરેલા આરટીઓ કર્મીઓએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને જ્યાં સુધી તેમની પડતર માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. આરટીઓ ઇન્સ્પેક્ટરોની હડતાળના કારણે વાહન વ્યવહાર સંબંધિત કામગીરી ખોરવાઈ ગઈ છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા આ મુદ્દે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો....
દિલ્હીમાં કેમ પલટાયો પવન? સર્વેમાં AAP સામે લોકોના ગુસ્સાનું ચોંકાવનારું કારણ જાહેર





















