Custodial Deaths: છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં સૌથી વધુ થયા કસ્ટોડિયલ ડેથઃ કેન્દ્ર સરકાર
લોકસભામાં ચોમાસું સત્રમાં રજૂ કરાયેલા અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં થતા કસ્ટોડિયલ ડેથમાં ગુજરાતનું પ્રમાણ સરેરાશ 10થી 15 ટકા હોય છે
નવી દિલ્હીઃ પાંચ વર્ષમાં 81 કસ્ટોડિયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પહેલા નંબર પર છે. લોકસભામાં ચોમાસું સત્રમાં રજૂ કરાયેલા અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં થતા કસ્ટોડિયલ ડેથમાં ગુજરાતનું પ્રમાણ સરેરાશ 10થી 15 ટકા હોય છે. જે છેલ્લા પાંચ વર્ષના આ સમયમાં સૌથી વધુ છે. તો બીજી તરફ ગુજરાતમાં 2019માં 6, 2020માં 11 અને વર્ષ 2021માં 7 કેદીઓએ જેલમાં આત્મહત્યા કરી હતી. ત્રણ વર્ષના આ સમયમાં જેલમાં સૌથી વધારે કેદીઓની આત્મહત્યામાં ઉત્તર પ્રદેશ 82 સાથે ટોચ પર છે. પશ્ચિમ બંગાળ 34 સાથે બીજા અને હરિયાણા 32 સાથે ત્રીજા સ્થાન પર છે.
દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મોત ગુજરાત અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે, સરકારે મંગળવારે લોકસભામાં આ જાણકારી આપી હતી. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે 1 એપ્રિલ, 2018 થી 31 માર્ચ, 2023 સુધીમાં દેશના વિવિધ ભાગોમાં પોલીસ કસ્ટડીમાં 687 લોકોના મોત થયા છે.
એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુના 81 કેસ નોંધાયા છે અને આ જ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં આવા 80 કેસ નોંધાયા છે. મધ્યપ્રદેશમાં 41 અને તમિલનાડુમાં 36 મૃત્યુ થયા છે.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા આપવામાં આવેલા ડેટાને ટાંકીને રાયે કહ્યું હતું કે વર્ષ 2022-23માં પોલીસ કસ્ટડીમાં કુલ 164, વર્ષ 2021-22માં 175, વર્ષ 2020-21માં 100, વર્ષ 2019-20માં 112 મોત થયા છે અને વર્ષ 2018-19માં પોલીસ કસ્ટડીમાં 136 મોત થયા છે.
કેન્દ્ર સરકારે આજે મંગળવારે લોકસભામાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત દિલ્હી સર્વિસ બિલ રજૂ કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ વતી કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. બિલ રજૂ થતાંની સાથે જ ગૃહમાં હોબાળો શરૂ થયો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષે આ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
આ બિલને બિજુ જનતા દળ એટલે કે બીજેડીનું સમર્થન મળ્યું છે. જેથી આમ આદમી પાર્ટીનું રાજ્યસભાનું ગણિત ગડબડાઈ શકે છે. બિલ અંગે અમિત શાહે કહ્યું હતું કે, આ વિરોધ રાજકીય છે અને તેનો બંધારણીય આધાર નથી. તેના આધારે આ બિલ રજૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, આ ગૃહને કાયદો બનાવવાનો અધિકાર છે. બીજું, સુપ્રીમ કોર્ટના જ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, જો કેન્દ્ર સરકારને લાગે તો તે કાયદો બનાવી શકે છે.