Rs 300 Crore Scam: રાજકોટમાં BZ જેવું કૌભાંડ ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા!
રાજકોટમાં BZ જેવું જ એક મોટું પોન્ઝી સ્કીમ કૌભાંડ સામે આવ્યું છે. બ્લોકઓરા નામની કંપનીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રાજકોટના 40 સહિત ગુજરાતના આશરે 8000 રોકાણકારોને 300 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. કંપનીના સંચાલકો હવે ફરાર થઈ ગયા છે. આ અંગે ભોગ બનેલા રાજકોટના વેપારીઓ સહિતના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
આ કૌભાંડમાં બ્લોકઓરા કંપનીએ રોકાણકારોને રૂ. 4.25 લાખનું રોકાણ કરવા પર દરરોજના 4000 રૂપિયાના વળતરની લાલચ આપી હતી. કંપનીના ફાઉન્ડર અને ભાગીદારોએ ટી.એ.બી.સી. નામની એક ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી હતી. છેલ્લા બે વર્ષમાં આ કંપનીએ આશરે 300 કરોડ રૂપિયા ઉઘરાવ્યા અને પછી સંચાલકો ફરાર થઈ ગયા.
રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને પોતાની આપવીતી જણાવી હતી. તેમણે બ્લોકઓરા કંપનીના ફાઉન્ડર અંકલેશ્વરના ફિરોઝ દિલાવર મુલતાણી, ભાગીદાર નિતિન જગત્યાની, સૌરાષ્ટ્રના હેડ લીંબડીના અમિત મનુભાઈ મુલતાણી, સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદીન સતાક મુલતાણી અને ગુજરાતના હેડ મક્સુદ સૈયદના નામ આપ્યા છે.




















