(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Weather: રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો, ખેડૂતોની વધી ચિંતા
Gujarat Weather : આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
Gujarat Weather Update: આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છે. જો કમોસમી વરસાદ પડે તો સૌથી વધારે જીરુંના પાકને નુકસાન થશે. કમોસમી વરસાદ પડશે તો શિયાળુ પાકમાં નુકસાન થશે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી શિયાળામાં દર વર્ષે કમોસમી વરસાદ પડે છે. વરસાદ પડશે તો કેરીના પાકમાં પણ નુકસાન થવાની શક્યતા છે. વાદળ છાયા વાતાવરણને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતિત બન્યા છે.
રાજ્યમાં બીજી કઈ કઈ જગ્યાએ આવ્યો પલટો
સુરતના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો છે. આજે સવારથી સુરજ દાદાના દર્શન નથી થયા. વાદળછાયા વાતાવરણના કારણે વાયરલ ઇન્ફેકશન વધવાનો ભય છે. હાલ શરદી, ખાંસી, ઉધરસ, તાવના કેસો વધી રહ્યા છે.
દાહોદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવાર વાદળછાયું વાતાવરણ છે. જેને લઈ ખેડૂતોમાં ચિતાંનો માહોલ છે.
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરુ,મગફળી,બટાકા સહિતના શિયાળુ પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ખાતરના કકળાટ વચ્ચે આ શહેરમાં ફેકટરીમાંથી ઝડપાયો નીમ કોટેડ યુરિયાનો જથ્થો
કડીના ડાગરવા પાસેની એક ફેક્ટરીમાંથી નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. ઇફ્કો કપનીમાંથી ખેડૂતો માટે યુરિયા ખાતર ધાનેરા લઈ જવાતું હતું, જે ખાતરની ટ્રક બરોબાર ફેક્ટરીમાં લઈ જવાયો હતો. મહેસાણા એલ સી બી પોલીસે રેડ કરી ખાતર ફેક્ટરીમાંથી ઝડપી લીધું હતું. ફેક્ટરીના માલિક હરસદ પટેલ દ્વારા આ યુરિયા ખાતરને ફેક્ટરીમાં વાપરવામાં માટે લાવવામાં આવ્યું હતું. એક તરફ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી ત્યારે બીજી તરફ ખેડૂતોનું યુરિયા ખાતર ફેકટરીમાં વપરાતું હોવાનુ સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ફેક્ટરી માલિક સહિત સાત લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહેસાણા-ઉંઝા હાઈવે પર વધુ એક બની હિટ એન્ડ રનની ઘટના
મહેસાણા જિલ્લામાં રોજ બરોજ હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. મહેસાણા ઉંઝા હાઈવે પર વધુ એક બની હિટ એન્ડ રનની ઘટના બની. બાઇક પર જઇ રહેલા એક વ્યક્તિને મોટીદાઉ ગામના પાટિયા પાસે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે લઇ જવાયો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.