ગુજરાતમાં આગામી 5 દિવસ ધોધમાર વરસાદ પડશે, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી
ભારે વરસાદની આગાહીની વચ્ચે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અમદાવાદ: રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. વલસાડ નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે.
હવામાન વિભાગ અનુસાર વલસાડ-નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. 23 જુલાઈએ લો પ્રેશર બનવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. જેના કારણે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીની વચ્ચે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
રાજ્યમાં જળાશયોની સ્થિતિ
વરસાદના અભાવના કારણે રાજ્યમાં વાવતેર ઘટ્યું છે. આ વર્ષે ૧૯ જુલાઇ સુધી અંદાજીત ૫૭.૨૦ લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું. જે ગયા વર્ષે સમાન સમયગાળામાં ૫૭.૩૭ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ૩ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તાર સામે ૬૬.૮૭ ટકા વાવેતર થયું છે.
તો સરદાર સરોવર ડેમમાં 1.49 લાખ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે 44.68 ટકા જેટલો છે. તો રાજ્યના 206 જળાશયોમાં 2.06 લાખ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 37 ટકા જેટલો થવા જાય છે. હાલ રાજ્યમાં કુલ 3 ડેમ એલર્ટ પર છે. 6 ડેમ વોર્નિંગ પર છે.
રાજ્યમાં ચોમાસાની સામાન્ય શરૂઆત
રાજ્યમાં 23 જુલાઈથી સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ હજુ પણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસાની શરૂઆત સાધારણ રહી છે. ગયા વર્ષે ૨૦ જુલાઇ સુધી ગુજરાતમાં ૧૧.૮૦ ઈંચ સાથે મોસમનો ૩૬.૦૮ ટકા વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ આ વર્ષે હજુ સુધી ૮.૧૪ ઈંચ સાથે મોસમનો ૨૪.૬૪ ટકા જ વરસાદ નોંધાયો છે. આમ, ગયા વર્ષની સરખામણીએ હજુ ૧૧.૪૪ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
તો રાજ્યમાં જૂન મહિનામાં ૪.૭૩ ઈંચ જ્યારે જુલાઇના ૨૦ દિવસમાં ૩.૪૦ ઈંચ વરસાદ નોંધાયેલો છે. રાજ્યમાં વરસાદ નોંધાયો ન હોય તેવો એકપણ તાલુકો નથી. પાંચ તાલુકામાં ૨થી ૪.૯૨, ૮૩ તાલુકામાં ૪.૯૬થી ૯.૮૪ ઈંચ, ૧૦૩ તાલુકામાં ૯.૮૮થી ૧૯.૬૮ ઈંચ, ૪૦ તાલુકામાં ૧૯.૭૨થી ૩૯.૩૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવો એકપણ તાલુકો નથી. ગયા વર્ષે બે તાલુકામાં ૨૦ જુલાઇ સુધીમાં ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વખતે એવો એકપણ તાલુકો નથી.