Hardik Patel Letter: હાર્દિક પટેલે કલમ 370, રામ મંદિર અને CAA-NRCનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
કોંગ્રેસ પર નિશાન સાધતા હાર્દિક પટેલે લખ્યું છે કે, પાર્ટીની રાજનીતિ માત્ર વિરોધ પુરતી જ સીમિત રહી ગઈ છે.
Hardik Patel Resigns: કોંગ્રેસથી સતત નારાજગીના અહેવાલો વચ્ચે હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે આખરે રાજીનામું આપી દીધું છે. તેણે પોતે ટ્વિટર પર આ માહિતી આપી હતી. પરંતુ આ ટ્વીટ સાથે પટેલે સોનિયા ગાંધીને પોતાનો પત્ર પણ પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે અને નારાજગી વ્યક્ત કરી છે.
કલમ 370, રામ મંદિરમાં કોંગ્રેસ પાર્ટી અડચણરૂપ બની - હાર્દિક પટેલ
કોંગ્રેસ પર નિશાન સાધતા હાર્દિક પટેલે લખ્યું છે કે, પાર્ટીની રાજનીતિ માત્ર વિરોધ પુરતી જ સીમિત રહી ગઈ છે. એટલું જ નહીં, હાર્દિકે પોતાના પત્રમાં CAA-NRC અને કલમ 370નો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું, દેશને વિરોધની નથી, પરંતુ એક વિકલ્પની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે. અયોધ્યામાં શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે GSTનો અમલ હો.... દેશ લાંબા સમયથી તેનો ઉકેલ ઇચ્છતો હતો અને કોંગ્રેસ પાર્ટી આમાં અડચણ બનવાનું કામ કરતી રહી.
રાહુલ-સોનિયા પર સાધ્યું નિશાન
કોંગ્રેસ નેતૃત્વ પર સીધો સવાલ ઉઠાવતા હાર્દિક પટેલે પોતાના પત્રમાં લખ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીની ટોચની નેતાગીરીમાં કોઈપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ એક મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળ્યો ત્યારે એવું લાગતું હતું કે તેઓનું ધ્યાન ગુજરાતની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના મોબાઈલ અને અન્ય બાબતો પર વધુ હતું. જ્યારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા. ટોચના નેતૃત્વનું લોકો પ્રત્યેનું વર્તન એવું છે કે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને ધિક્કારે છે. તો એવામાં કોંગ્રેસ ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જુએ તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકે?
ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતો. તાજેતરમાં જ તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પાર્ટીનું નામ અને તેની પોસ્ટ હટાવી દીધી હતી. આ પછી માનવામાં આવી રહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં પાર્ટી છોડવાની જાહેરાત કરી શકે છે. હવે આખરે પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. પટેલની વિદાય કોંગ્રેસ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે, કારણ કે આગામી થોડા મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જવાનો છે, તે હાલ સ્પષ્ટ નથી.