Rain: કચ્છ અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદની આગાહી, ચાર જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ
પોરબંદર,જૂનાગઢ, રાજકોટમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કચ્છ અને સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો ત્રણ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર,જૂનાગઢ, રાજકોટમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદની શક્યતા નહીંવત છે.
છેલ્લા છ દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ બાદ હવે આજથી કચ્છ-સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનું જોખમ મંડરાઇ રહ્યું છે. જમીન પર સર્જાયેલા ડિપ્રેશન વધારે મજબુત થતા આજથી દરિયાઈ સ્તરે વાવાઝોડામાં પરિવર્તિત થવાના હવામાન વિભાગે સકેત આપ્યા છે. આ વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુરૂવાર સાંજની સ્થિતિએ કચ્છના ભૂજથી 70 કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને નલિયાથી 60 કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને કરાચીથી 250 કિલોમીરટના અંતરે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
1 સપ્ટેમ્બર સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને વાવાઝોડુ ઘમરોળશે. વાાઝોડુ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ કચ્છ-સૌરાષ્ટ્ર જિલ્લામાં 55થી 65 અને 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અમુક સમયે 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કચ્છ-સૌરાષ્ટ્ર પર ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન લગભગ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્વિમ તરફ આગળ વધ્યુ હતુ. વાવાઝોડાની સાથે વરસાદની સંભાવનાને પગલે લખપત, અબડાસા, માંડવી તાલુકાના કાંઠાના ગામોમાં કાચા મકાનો કે ઝુંપડામાં વસતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પ્રશાસને અનુરોધ કર્યો છે. સ્થળાંતર કરેલા લોકોને પ્રાથમિક શાળા, ધાર્મિક સ્થળ, સમાજની વાડી કે અન્ય નજીકના આવેલા પાકા બાંધકામોમાં પહોંચી જવા સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડાની આશંકાને લઈને કચ્છ જિલ્લાના અનેક ઠેકાણે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. માંડવી બીચ અને દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દ્વારકા અને કચ્છ જિલ્લામાં વાવાઝોડાની અસરની આશંકા છે. જમીન પર તૈયાર થયેલુ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયુ છે. ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય તેવી આશંકા છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અંબાલાલે પણ આગાહી કરી છે કે વાવાઝોડાની અસરના કારણે 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ચક્રવાત પાકિસ્તા તરફ ફંટાઇ શકે છે. કચ્છ સહિતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. ભારે પવનને કારણે ખેતીને નુકસાન થઇ શકે છે.