Gujarat Rain: સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
રાજ્યમાં અન્ય કેટલાક વિસ્તારોમાં સમાન્યથી છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. હવામાન વિભાગે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરી છે. દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, મહેસાણા, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, આણંદ અને વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના એસજી હાઈવે, એસપી રીંગ રોડ, ઈસ્કોન, વૈષ્ણોદેવી, શેલા, બોપલ, પ્રહલાદનગર, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
ગુજરાત રિજનમાં આગામી 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 134 ટકા, સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના 43 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 94 તાલુકામાં 20થી 40 ઈંચ, તો 104 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.રાજ્યના 206 જળાશયો પૈકી 122 જળાશયો હાઈએલર્ટ પર છે. 20 જળાશયો એલર્ટ અને તો 16 જળાશયો વોર્નિંગ પર છે. 84 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે.
દિલ્હીમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં 1 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઝારખંડ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ઝારખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી રાજ્ય માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
https://t.me/abpasmitaofficial