Gujarat Rain Forecast:આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: 8 જુલાઇ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 જુલાઇ બાદ વરસાદનું થોડું જોર ઘટી શકે છે પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. જાણીએ ગુજરાત વેધર અપડેટ્સ
Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસાએ સારી જમાવટ કરી છે. ક્યાંર મધ્યમ તો ક્યાંક મૂશળધાર વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે 8 જુલાઇ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. 8 જુલાઇ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઓછું થઇ શકે છે પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ ચાલુ રહી શકે છે.
ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ હજુ પણ રાજ્યભર મેઘરાજા જમાવટ કરે તેવો અનુમાન છે. આજની વાત કરીએ તો અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની શક્યતાને જોતો હવામાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. આ બંને જિલ્લામાં વરસાદની તીવ્રતાની શકયતાને જોતા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા સુરત તાપી ડાંગમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. અહી હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન કચ્છને મેઘરાજા રાતથી ઘમરોળી રહ્યાં છે. આગામી ત્રણ કલાક કચ્છ જિલ્લા માટે ભારે છે.કચ્છ જિલ્લામાં આગામી 3 કલાક વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભુજ ગ્રામ્યમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસતા માનકુવા અને આસપાસના ગામમાં જળમગ્ન બન્યા છે. ભારે વરસાદથી માનકુવાના માર્ગો બેટમાં ફેરવાયા છે. કચ્છના નખત્રાણાના દનણા ગામનું તળાવ ઓવરફ્લો થયો છે. પહેલા જ વરસાદમાં દનણા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
કચ્છના નખત્રાણાના મોડી રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. સવારના 4 થી 6 માં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદથી નખત્રાણા પાણી પાણી થયું હતું. તાલુકાના ગ્રામ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની બજારો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નખત્રાણા-ભૂજ સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની કેટલીક ખાનગી શાળાઓએ સલામતીના ભાગરૂપે આજે રજા જાહેર કરી હતી.




















