Gujarat Rain : રાજ્યમાં ભારે વરસાદથી જળબંબાકાર,બનાસકાંઠાના રસ્તા જળમગ્ન, અનેક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain; દેશભરમાં પૂરના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. સપ્ટેમ્બરની શરૂઆતથી ચાલુ રહેલો વરસાદ હજુ પણ ઘણા રાજ્યોમાં ચાલુ છે. જોકે, પર્વતો અને પૂર્વીય મેદાનોમાં થોડી રાહત છે. પરંતુ, ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે પણ ભારે વરસાદની ચેતવણી

Gujarat Rain :ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર 2025ના રોજ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સુઇગામમાં 16.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નડાબેટનો રણ વિસ્તાર સમુદ્રમાં ફેરવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે સુઇગામ પલ્લીના ખેતરો પાણીથી ભરાઈ ગયા છે, અને ઘણા ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા છે. સાવચેતી રૂપે, જિલ્લા વહીવટીતંત્રે 8 સપ્ટેમ્બરના રોજ તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની સૂચના આપી છે.
બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું છે. 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.24 કલાકમાં ભાભરમાં 12.91,વાવમાં 12.56 ઈંચ વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં થરાદમાં 11.73 ઈંચ, દિયોદરમાં 6.69 ઈંચ વરસાદ વરસ્યો છે. મૂશળધાર વરસાદથી સૂઈગામમાં નદી-નાળા છલકાય ગયા છે. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે
જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમના પાણીના સ્તરમાં વધારો થવાને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે વ્હાઇટ એલર્ટ જાહેર કર્યું છે, જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવે તો આસપાસના વિસ્તારોને અગાઉથી ચેતવણી આપી શકાય. વહીવટીતંત્રે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે, અને લોકોને સલામત સ્થળોએ રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની આગાહી કરી છે, જેના કારણે જિલ્લા વહીવટીતંત્ર અને NDRF ટીમો એલર્ટ મોડ પર છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં વરસ્યો વરસાદ
સુઈગામ 16.14 ઈંચ
ભાભર 12.91 ઈંચ
વાવ 12.56 ઈંચ
રાપર 12.48 ઈંચ
થરાદ 11.73 ઈંચ
સાંતલપુર 7.56 ઈંચ
રાધનપુર 7.17 ઈંચ
દિયોદર 6.69 ઈંચ
માળિયા 4.57 ઈંચ
વાલોદ 4.41 ઈંચ
દહેગામ 4.33 ઈંચ
કપરાડા 4.13 ઈંચ
વ્યારા 4.06 ઈંચ
વલસાડ 3.74 ઈંચ
ધરમપુર 3.54 ઈંચ
ગાંધીધામ 3.43 ઈંચ
ખેરગામ 3.39 ઈંચ
ડોલવણ 3.39 ઈંચ
મોરબી 3.35 ઈંચ
દાંતા 3.31 ઈંચ
અંજાર 3.27 ઈંચ
વઘઈ 3.23 ઈંચ
ઉમરગામ 3.19 ઈંચ
લાખણી 3.19 ઈંચ
ઈડર 3.07 ઈંચ
ભીલોડા 3.03 ઈંચ
મહુવા 3.03 ઈંચ
ભુજ 3.00 ઈંચ
ધોળકામાં પણ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. તાલુકાના કાસીન્દ્રા-ભાટ ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. કાસીન્દ્રા, ભાત, બદરખા સહિતના ગામમાં સાબરમતીના પાણી ફરી વળ્યા છે.મોડીરાત્રીથી ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસવાનું શરૂ થયું હતું.રોડ-રસ્તા અને ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા છે. પ્રશાસને ગ્રામ્ય વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના આપી છે.કચ્છમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. ગાંધીધામમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.ધોધમાર વરસાદથી કચ્છના ગાંધીધામમાં અનેક રસ્તા જળમગ્ન બન્યા છે. ગાંધીધામના રેલવે સ્ટેશન અને ચાવલા ચોકમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.





















