(Source: ECI/ABP News/ABP Majha)
Kheda Rain: ખેડા જિલ્લામાં તોફાની વરસાદે તબાહી મચાવી, નડીયાદ, કપડવંજ, ઠાસરા, માતર તાલુકામાં ધોધમાર વરસાદ
ખેડા જિલ્લામાં આજે તોફાની વરસાદે તબાહી મચાવી છે. ખેડા જિલ્લાના મુખ્યમથક નડિયાદ સહિત કપડવંજ, ઠાસરા, માતર, ગળતેશ્વર સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
નડીયાદ: ખેડા જિલ્લામાં આજે તોફાની વરસાદે તબાહી મચાવી છે. ખેડા જિલ્લાના મુખ્યમથક નડિયાદ સહિત કપડવંજ, ઠાસરા, માતર, ગળતેશ્વર સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જગપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જયેષ્ઠાભિષેક પૂનમને લઈ રાજા રણછોડના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી. જો કે વરસાદ વરસતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા હતા. મંદિરના મુખ્ય દ્વાર પાસે જ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ભક્તોના પગરખા પાણીમાં તરતા નજરે પડ્યા હતા. મોટું યાત્રાધામ હોવા છતાં માળખાગત કોઈ જ સુવિધા નથી. પાણી ભરાતા પ્રશાસનની પોલ ખુલી ગઈ છે.
ઠાસરા તાલુકાના શાહપુર ગામ નજીક દર્દનાક ઘટના બની છે. રાવજીભાઈ પરમાર તેમના પત્ની ભાનુબેન સાથે દીકરીના ઘરે જઈ રહ્યા હતા. આ સમયે ભારે પવન ફૂંકાતા 15 જેટલા નીલગીરીના ઝાડ ધરાશાયી થયાં હતા. રાવજીભાઈ અને ભાનુબેન પર વિશાળકાળ ઝાડ પડતા બંનેના મોત થયા છે. કરુણતા એ વાતની છે કે દીકરીના ઘરથી 300 મીટર દૂર જ ઝાડ ધરાશાયી થતાં બંનેના મોત થયા છે.
જિલ્લાના મુખ્યમથક નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. નડિયાદના પીજ રોડ પર જ્યાં પાર્ક કરેલી કાર પર ઝાડ ધરાશાયી થતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મસમોટા હોર્ડિંગ્સ પણ જમીનદોસ્ત થયા હતા. આજે સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
મહીસાગર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડતા શેરીઓ નદીમાં ફેરવાઈ
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંબેલા ધાર વરસેલ વરસાદના કારણે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ક્યાંક ઝાડ પડ્યા તો ક્યાંક હોર્ડિંગ ધરાશાયી થયા હતા. મહીસાગર જિલ્લામાં વરસેલ વરસાદે તારાજી સર્જી છે.
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. લુણાવાડા શહેરમાં વરસેલ વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા. લુણાવાડા શહેરમાં બે કલાકની અંદર જ બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. લુણાવાડા શહેરમાં માંડવી બજાર, અસ્તાના બજાર, હુસેની ચોક, હાટડીયા બજાર સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો ઘૂંટણસમા પાણીના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે વરસાદના કારણે માડવી બજારમાં આવેલ શાક માર્કેટની અંદર અડધી લારીઓ પાણીની અંદર ગરકાવ થઈ હતી.